ભૂજ,તા.ર૬
વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી તા.૩૦/૯ રવિવારે કચ્છ આવી રહ્યા છે. ત્યારે કચ્છનું ંવહીવટીતંત્ર તડામાર તૈયારીમાં લાગ્યું છે. કચ્છના કલેક્ટર રૈમ્યા મોહનની પ્રાથમિક જાણકારી અનુસાર વડાપ્રધાન મોદી તા.૩૦/૯ના સૌ પ્રથમ ભૂજ એરપોર્ટ ખાતે ખાસ વિમાન મારફતે આવશે અને ભૂજ એરપોર્ટ ઉપરથી ચોપર દ્વારા હવાઈ માર્ગે સીધા અંજાર પહોંચશે. અંજારની ભાગોળે વિશાળ જનસભાને બપોરે ૧ વાગ્યે સંબોધન કરશે અને ત્યાં જ મુન્દ્રા ખાતેના જીએસપીસી પાઈપલાઈનનું ઈ-તકતીથી લોકાર્પણ કરશે. સાથે-સાથે અંજાર, ભૂજ, ખાવડાના રષ્ટ્રીય ધોરીમાર્ગના કામનું પણ ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી ભૂમિપુજન કરશે.
અંજાર ખાતેની વિશાળ જાહેર સભાને મોદી સંબોધન કરવાના હોવાથી સભા સ્થળની તડામાર તૈયારી ચાલી રહી છે. કલેક્ટર રૈમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું વહીવટી તંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાની વ્યવસ્થા ગોઠવવામાં લાગ્યું છે. સભાના દિવસે લોકોને લઈ જવા માટે કચ્છમાં એસ.ટી. તંત્ર દ્વારા ર૦૦ જેટલી બસો નિઃશુલ્ક દોડાવવામાં આવશે.