અમદાવાદ, તા.૪
શિક્ષણની વાત આવે ત્યારે ગુજરાતમાં તોતિંગ ‘ફી’નો મુદ્દો આવ્યા વગર રહેતો નથી. ગુજરાતમાં ફી નિયમનના કાયદાની ઐસી-તૈસી કરી ખાનગી શાળાના સંચાલકો દ્વારા જે પ્રકારની લૂંટ કરવામાં આવી છે તે અંગે યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે આગામી દિવસોમાં ફી નિયમના મુદ્દે યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરાશે. સમગ્ર ગુજરાતમાં ફી નિયમનના કાયદાને બાજુમાં મૂકીને ખાનગી શાળાના સંચાલકો દ્વારા જે પ્રકારની લૂંટ કરવામાં આવી રહી છે, તેનો યુવક કોંગ્રેસ દ્વારા તા.૪ જુલાઈના રોજ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ફી નિયમનના મુદ્દે શિક્ષણમંત્રી અને મંત્રાલય જાણે શાળા સંચાલકોના ઘૂંટણિયે પડ્યું હોય તેવી પરિસ્થિતિ ગુજરાતમાં થઈ રહી છે. કેટલીક શાળાઓમાં ફી નિયમનના કાયદાને કોરાણે મૂકીને પોતાની વેબસાઈટ ઉપર મસમોટી ફી ઉઘરાવવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી પાર્થિવ રાજસિંહ કઠવાડિયા અને યુવક કોંગ્રેસ દ્વારા શાળા સંચાલકો સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં યુવક કોંગ્રેસ દ્વારા એફ.આર.સી. કમિટી ખાતે જઈ ઘેરાવ કરી ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. યુવક કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી એફ.આર.સી. કમિટીમાં હલ્લાબોલ કરતાં જાણવા મળ્યું કે, એફઆરસી કમિટીનો એકપણ સભ્ય ત્યાં હાજર હતો નહીં તેની યુવક કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે. ખરેખર વાલીની કોઈ ફરિયાદ હોય અને વાલી ત્યાં ફરિયાદ કરવા જાય ત્યારે કોઈપણ સભ્ય હાજર ન હોય તો વાલીની શું દશા તે તો વિચારવું જ રહ્યું ? અને આગામી દિવસોમાં એફઆરસી કમિટીના સભ્યો હાજર નહીં રહે તો ઉગ્ર આંદોલનનો ભોગ બનવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી યુવક કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા આપવામાં આવેલ છે. એફ.આર.સી. કમિટીના એક પણ સભ્ય ત્યાં હાજર ન હોવાના કારણે યુવક કોંગ્રેસ દ્વારા એફઆરસી કમિટીનો તાળાબંધીનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં એફઆરસી કમિટી ખાતે તથા રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, મહિસાગર, વડોદરા, નવસારી, વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં ડી.ઈ.ઓ કચેરી ખાતે યુવક કોંગ્રેસ દ્વારા હલ્લાબોલનો અને તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની જામનગર ખાતે તથા અન્ય જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય નહીં મળે તો યુવક કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રીનો ઘેરાવ તથા વિધાનસભાનો ઘેરાવ જેવા ઉગ્ર કાર્યક્રમો સાથે આંદોલન કરવામાં આવશે.