(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૭
આજે ધો.૧રની પરીક્ષા આપવા માટે આવેલાં વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્રમાં જ હૃદયગતિ થંભી જવાનાં કારણે મોત નિપજયું હોવાનું ચોંકાવનારી ઘટના બની છે.
મળતી વિગતો અનુસાર આંકલાવ તાલુકામાં કહાનવાડીમાં રહેતાં બળવંતસીંહ ઉદેસિંહ પઢીયારને એકમાત્ર દિકરો ધવલ બળવંતસિંહ પઢીયાર (ઉ.વ.૧૭) ધો.૧રમાં અભ્યાસ કરે છે અને આ વર્ષે આંકલાવ હાઈસ્કૂલનાં પરીક્ષા કેન્દ્રમાંથી બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. આજે તેનાં સંસ્કૃતની પરીક્ષાનું પ્રશ્ન પત્ર હોય તે પરીક્ષા આપવા માટે આંકલાવ હાઈસ્કૂલ પહોંચ્યો હતો. પરીક્ષા શરૂ થયા બાદ થોડા સમયમાં જ તેને અચાનક બેચેની સાથે ચક્કર આવી જવાની ફરિયાદ કરી હતી. કેન્દ્ર સંચાલકો કોઈ કાર્યવાહી કરે તે પહેલાં ધવલ પરીક્ષા ખંડમાં જ બેભાન થઈને પડી ગયો હતો. જેના પગલે પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ હતી.
અચાનક બનેલી ઘટનાન પગલે હતપ્રભ થઈ ગયેલા કેન્દ્ર નિરીક્ષકો ધવલને તાત્કાલિક આંકલાવ દવાખાને લઈ ગયાં હતાં. જયાં હાજર તબીબી અધિકારીએ તેનું પરિક્ષણ કરીને તેને મૃત ઘોષિત કર્યો હતો અને ઘટના અંગે આંકલાવ પોલીસ તથા ધવલનાં માતા-પીતાને જાણ કરી હતી. તેઓ તુરંત દવાખાને દોડી આવ્યાં હતાં અને પુત્રનાં મૃતદેહને જોઈને ભારે આક્રંદ કર્યો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતાં પ્રાથમિક તપાસમાં ધવલનું મૃત્યુ ગભરામણ બાદ હૃદયગતિ થંભી જવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે. જો કે આ બાબતે તેના વીશેરાને વિસ્તૃત તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યાં છે. જેનો અહેવાલ આવ્યાં બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.