અંક્લેશ્વર,તા.૧૩
અંકલેશ્વરથી ઉત્તરપ્રદેશ તરફ રવાના થનારી બુધવારની ટ્રેનના ૨૧૬ શ્રમિકોની ટિકિટ રદ થતા તમામ શ્રમિકો અંકલેશ્વર ખાતે અટવાઈ જતા રોષે ભરાયા હતા.
આ ઘટનામાં રેલવે મંત્રાલયની ઉત્તરપ્રદેશ સરકારની કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વચ્ચેના સંકલનનો અભાવ સ્પષ્ટ નજરે પડ્યો હતો. અંકલેશ્વરના જ ૨૧૬ જેટલા પરપ્રાંતીય અને ઉત્તરપ્રદેશના રહેવાસી મુસાફરોનું ટિકિટ રિઝર્વેશન થઇ ગયા હોવા છતાં પણ અંતિમ દિવસે તેઓની ટિકિટ રદ કરવામાં આવતા શ્રમિકો અટવાઈ પડતા તેઓમાં આક્રોશ ફેલાય જવા પામ્યો હતો. તેઓની ટિકિટ કેન્સલ કરવા માટે દબાણ કર્યું હતું કારણ કે ટ્રેન અંકલેશ્વરથી ઉત્તરપ્રદેશના બનારસ ખાતે જતી હતી આ ૨૧૬ કમભાગી પ્રવાસીઓ ફક્ત એટલા માટે રહી ગયા કે બનારસથી એક પ્રવાસીઓનો જિલ્લો કે રહેણાંક સ્થળ ૪૦૦થી ૫૦૦ કિલોમીટર દૂર હતું એટલે યુપીના સ્થાનિક તંત્ર એ તેમને આવવાની ધરારના પાડી દીધી હતી. હાલ ૨૧૬ જેટલા ઉત્તરપ્રદેશના રહીશો અંકલેશ્વરના ગડખોલ પાટિયા સહિતના વિવિધ વિસ્તારોમાં બેઘર બેઠા છે કારણ કે વતન જવા માટે એમણે પોતાના મકાનો ખાલી કરી નાખ્યા છે. ભાડે રહેતા હતા હવે એમના માટે માથે છત નથી જો કે વહીવટી તંત્રએ એમને માટે રાશન પાણીની વ્યવસ્થા કરી છે અને અંકલેશ્વરના જે ગામ ના આ શ્રમિકો છે તે ગામના સરપંચ અને તલાટીને પ્રાંત અધિકારી દ્વારા રહેવાની વ્યવસ્થા કરવાની અને રૂમ ભાડું ન લેવાની સૂચના આપવામાં આવી હતી.

અંકલેશ્વરથી ૧,૫૬૬ પરપ્રાંતિય શ્રમિકોને લઈ ટ્રેન વારાણસી રવાના

અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી બુધવારના રોજ અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં વસવાટ કરતા યુપીના શ્રમિકોને લઈને વધુ એક ટ્રેન વારાણસી ખાતે રવાના થઈ હતી. સાંજે ૪ઃ૦૦ કલાકે રવાના થયેલ ટ્રેનમાં યુપીના પાંચ જિલ્લાના શ્રમિકો હતા. જેઓ અંકલેશ્વર રોજી રોટી માટે આવ્યા હતા, જેમાં ૧૫૬૬ શ્રમિકોને ટ્રેનમાં સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે ૧૫૬૬ પરપ્રાંતિયોને રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વરના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી રમેશ ભગોરા ઉપરાંત અંકલેશ્વર વિભાગના ડીવાયએસપી ચીરાગ દેસાઈ, શહેર પીઆઇ સિસોડિયા તથા સરકારી અધિકારીઓ અને રેલવે પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.