અંકલેશ્વર, તા.૩૦
ભરૂચ જિલ્લામાં કોરોના ના વધી રહેલા કેસોના પગલે કોવિડ હોસ્પિટલમાં જગ્યાના અભાવે દર્દીઓએ અન્ય હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડે છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે આવેલ વેલકેર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ૫૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ૭ વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે આવેલ વેલકેર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકેની માન્યતા મળતા ટ્રસ્ટીઓ દ્વારા વહેલી તકે કોવિડ હોસ્પિટલ શરૂ થાય તે માટેની કામગીરી આરંભી છે અને આગામી ૪ ઓગસ્ટના રોજ હોસ્પિટલ શરૂ થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. આ ૫૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ૭ જેટલા વેન્ટિલેટર ૮ આઇસીયુ બેડ સહિતની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે તેમજ કોવિડના દર્દીઓની સારવાર માટે તબીબો સહિતનો ૬૬ કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. વેલકેર હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા કોવિડ હોસ્પિટલમાં જવા માટેનો એક અલગ માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે અને કોવિડના દર્દીઓને રાહત દરે સારવાર મળી તેવા પ્રયત્નો હાથ ધર્યા છે તેમજ પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન દ્વારા પણ વેલકેર હોસ્પિટલને વેન્ટિલેટર માટે ફંડ ફાળવી ઉમદા કાર્ય કર્યું છે.