અંકલેશ્વર, તા.૩
અંક્લેશ્વરના જામનગર ટ્રાન્સપોર્ટમાં ગોધરાના કાલુ એન્ટરપ્રાઇઝમાંથી એમડી ડ્રગ બનાવવામાં વપરાતા શંકાસ્પદ રો-મટીરિયલનો જથ્થો ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો, આ કેમિકલ અર્શ ટ્રેડર્સ દ્વારા ખોટા બિલ સહિતના દસ્તાવેજો મારફતે મંગાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જામનગર ટ્રાન્સપોર્ટમાં તપાસ શરૂ કરી હતી. જેમાં ગોધરાની મદીના સોસાયટી ખાતે કાલુ એન્ટરપ્રાઇઝથી એમડી ડ્રગ બનાવવા માટે વપરાતા શંકાસ્પદ રો-મટીરિયલનો જથ્થો એસઓજી પોલીસને મળી આવ્યો હતો. જે અંગે પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવતા આ કેમિકલનો જથ્થો અર્શ ટ્રેડર અંકલેશ્વર દ્વારા મંગાવવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યું હતું. એસઓજી પોલીસે કાલુ એન્ટરપ્રાઇઝના જીએસટી સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરતા તેનો જીએસટી નંબર જુલાઈ માસમાં રદ થઈ ગયો હોવાનું માલૂમ પડ્યું હતું, જ્યારે કેમિકલનો જથ્થો મંગાવનાર અર્શ ટ્રેડર નામની કોઈજ કંપની અંકલેશ્વરમાં ન હોવાનું તેમજ તેના બિલમાં દર્શાવવા માં આવેલ જીએસટી નંબર સહિતની માહિતી ખોટી હોવાની હકીકત બહાર આવી હતી.હાલ એસઓજી પોલીસે પ્લાસ્ટિક નાં અને લોખંડના કેમિકલ ભરેલ ડ્રમ મળી રૂપિયા ૧,૭૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાલુ એન્ટરપ્રાઇઝ તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ તત્ત્વો સામે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.