અંકલેશ્વર, તા.૧૦
અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ પાસેથી પસાર થતી વનખાડીમાં કોઈક તત્વો દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજતા ગ્રામજના ેમાં જીપીસીબીની કાર્યવાહી સામે રોષ ફેલાયો છે, અવારનવાર વનખાડીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવતા ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી પડી રહી છે, પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના પીલુદ્રા ગામમાંથી વન ખાડી પસાર થાય છે. આ વન ખાડીનું પાણી ખેડૂતો સિંચાઈના પાણી તરીકે ઉપયોગ પણ કરે છે. વન ખાડીમાં કેમિકલ યુક્ત પાણી વહેતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા વનખાડીમાં વહી રહેલા કેમિકલ યુક્ત પાણી કોઇક તત્વો દ્વારા નિકાલ કરવામાં આવતા જીપીસીબીની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે, ગામના ૪૦૦થી વધુ પાલતુ પશુઓ આ ખાડીનું પાણી પીતા હોવાથી કેમિકલ યુક્ત પાણીના કારણે ગામના ઢોર ઢાંકણ ઉપર ખતરો ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે, વારંવાર વન ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે અને પ્રદુષિત પાણીના કારણે ખાડીમાં સેંકડો જળચર જીવોના મોત થઇ રહ્યા છે. ખેડુતોને પણ ખાડીનાં પાણીનો સિંચાઈના પાણી તરીકે ઉપયોગ કરવો મુશ્કેલરૂપ બની ગયુ છે. જી.પી.સી.બીને આ બાબતે જાણ કરવામાં આવે ત્યારે જીપીસીબી સેમ્પલ લઇને ગયા બાદ થોડા દિવસ પ્રદુષિત પાણી બંધ થઇ જાય છે બાદમાં ફરી પ્રદુષિત પાણીનો નિકાલ કરવાનો સીલસીલો યાથવત થઇ જાય છે. ત્યારે જીપીસીબી તેમજ તંત્ર દ્વારા ખાડીમાં પ્રદુષિત પાણી છોડતા તત્વોને ઝડપી લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.