અંકલેશ્વર,તા.૧૩
બેરોજગારી ભલે હોય પરંતુ કંઈક નવું કરવાની ધગસ હોય તો માણસ ગમે તે રીતે પણ પોતાની રોજગારી તો ઉભી કરે જ છે સાથે સાથે નવો ચીલો પણ ચાતરે છે. અંકલેશ્વરમાં આવો જ એક દાખલો જોવા મળ્યો છે.
મૂળ સૌરાષ્ટ્રના પરંતુ વર્ષોથી અંકલેશ્વર રહેતા રાઘવ ખત્રી નામના યુવાને બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસ પૂરો થયા પછી તેણે નોકરી માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ નોકરી મળી નહીં રોજગાર ન મળતા જો કે નાસીપાસ થવાના બદલે રાઘવ ખત્રીએ પોતાનું ટેકનિકલ માઇન્ડ કામે લગાવ્યું તેણે ઘણીવાર એક બાબત પર ધ્યાન આપ્યું હતું કે કાર કે મોટા વાહનોને વોશિંગ માટે ફરજિયાત સર્વિસ સ્ટેશનમાં જવું પડે છે જયાં વાહનની કતારો લાગી હોય તો કલાક-કલાક સુધી રાહ જોવી પડે છે વળી, સર્વિસ સ્ટેશનમાં પાણીનો બગાડ પણ વધુ થાય છે તો હરતુ-ફરતું કાર-વોશિંગ મશીન કેમ ન બનાવી શકાય ? વિચાર આવતા જ તેના ફળદ્રુપ દિમાગે વિવિધ વિકલ્પો વિચાર્યા અને છેવટે એમાંથી જ એક અનોખી વોશિંગ સિસ્ટમનું નિર્માણ થયું.
રાઘવ ખત્રીએ એક કોમ્પ્રેસર મશીનમાં પાણીના ઈનલેટ અને આઉટલેટ પાઈપથી વોશિંગ સિસ્ટમ વિકસાવી છે. નાનકડું કોમ્પ્રેસર મશીન જો કે પાણીનો પ્રવાહ જોશભેર ફેંકે છે એક કેરબામાં ૧૦૦ લિટર જેટલું પાણી ભરીને અને કોમ્પ્રેસર મશીનને બાઈક પર લઈને રાઘવ રોજ સવારે નીકળી પડે છે અને સાંજ સુધીમાં ઓછામાં ઓછી ૧પથી ૧૭ કારથી લઈ નાના ટેમ્પો-ટ્રક જેવા વાહનો વોશ કરે જ છે અને સારૂં એવું કમાય પણ લે છે.
આ અનોખી સિસ્ટમ અંગે રાઘવ ખત્રીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સર્વિસ સેન્ટરમાં કાર વોશ કરવી હોય તો ૮૦ લિટરથી લઈ ૧૦૦ લિટર જેટલું પાણી વપરાય છે. પરંતુ મારી સિસ્ટમમાં માત્ર પ૦ લિટર પાણીમાં જ કારનું સર્વિસ સેન્ટર જેવું જ વોશિંગ થઈ જાય છે. નોકરીમાં પગાર મળે એના કરતા આમાં હું વધુ કમાણી કરૂં છું.
રાઘવ ખત્રીએ બેરોજગારીના ખપ્પરમાં હોમાયેલા યુવાનો માટે એક દૃષ્ટાંત છે હતાશ કે નાસીપાસ થવાના બદલે પોતાને ગમતા ક્ષેત્રમાં ધગશપૂર્વક વિચારનાર યુવાનોને વહેલી મોડી સફળતા મળે જ છે. હાલ તો આ મોબાઈલ કાર વોશિંગ સિસ્ટમ અંકલેશ્વરમાં લોકો અને કાર-ટેમ્પો ધારકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.