(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૨૦
અંકલેશ્વરના સંજયનગરમાં અપહરણકર્તા બાળકનું મહિલાના ઘરના વાડામાંથી કંકાલ મળ્યું હતું. મહિલાએ બાળકની હત્યા કરી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પોલીસે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ અને એફએસએલ ટીમની હાજરી ઘર પાછળ ખોદકામ કરી બાળ કંકાલ બહાર કાઢ્યું હતું. અંકલેશ્વરના સંજયનગર વિસ્તારમાં રહેતા પતિરામ પાસવાનનો ૭ વર્ષીય મોહીત ગત તા.૧૫ નવેમ્બર ૧૭ના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. ગુરૂદ્વારા વિસ્તારમાં આવેલ બાલાની ચાલમાં રહેતી. રશીદા મહમદ પટેલ નામની મહિલાએ બાળક ને રૂા.૧૦ આપવાની લાલચ આપી અપહરણ કરી લઇ ગઈ હોવાનો ઘટસ્ફોટ ગત ૧૬મી માર્ચના રોજ થયો હતો. જે પ્રકરણમાં પલીસે મહિલાની કડક પૂછપરછ કરતા એણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, અન્ય એક બાળક ભરૂચથી ગત માર્ચ મહિનામાં અપહરણ કર્યું હતું. જે મૃત પામતા તેને ઘરના પાછળ વાડામાં દાટી દીધું હતું. જેના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈ જે.જી. અમીન દ્વારા અંકલેશ્વર મામલતદાર કમ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ ભરતસિંહ મહીડા અને નાયબ મામલતદાર મનુભાઈ પટેલની હાજરીમાં જિલ્લા એફએસએલની ટીમ સાથે અપહરણ કરતા મહિલાના ઘરે પહોંંચી વાડાના ભાગે ખોદકામ કરતા અંદરથી બાળકનું કંકાલ મળી આવ્યું હતું. પોલીસે બાળકના કંકાલને કબજે કરી ડીએનએ ટેસ્ટ તેમજ એફએસએલ તપાસ માટે મોકલી આપ્યું હતું.