અંકલેશ્વર, તા.ર
અંકલેશ્વરમાં કોરોનાના લક્ષણો સાથે ટ્રક ચાલક ખાનગી તબીબ પાસે પહોંચતા ટેસ્ટ કરાવાયો હતો જેમાં કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક અસરથી એને કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો છે. મળતી આધારભૂત માહિતી અનુસાર અમદાવાદની સાગર એન્ટરપ્રાઇઝમાં ટ્રક ચાલક તરીકે ફરજ બજાવતો હંસનાથ ચૌધરી નામનો વ્યક્તિ જે મુળ બિહારનો છે તે તારીખ ૨૦ એપ્રિલના રોજ ટ્રક લઈને ત્યાંથી નીકળ્યો હતો અને ભરૂચના દહેજ ઔદ્યોગિક વસાહતમાં ગયો હતો. ત્યાંથી એ વાપી સુધી પહોંચ્યો હતો અને વાપીથી પરત ફરતાં તારીખ ૨૪ એપ્રિલના રોજ રાત્રે અંકલેશ્વર નેશનલ હાઇવે-૪૮ પર આવેલી સિલ્વર ગેટ હોટલમાં રોકાયો હતો. જ્યાં તેણે અન્ય બે ટ્રક ડ્રાઈવર સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ તેને શરદી-ખાંસી અને તાવના લક્ષણો જણાતા હંસરાજ ચૌધરીએ અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં ડોક્ટર બી.કે.વર્મા પાસે સારવાર લીધી હતી. જ્યાં દવા લીધા પછી પણ સારૂં ન થતા હંસરાજ ચૌધરી અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પર આવેલી ઓરેંજ હોસ્પિટલમાં તબીબને કન્સલ્ટ કર્યા હતા પરંતુ ત્યાં પણ એમને સારું ન થયું ન હતાં. આ ઘટનાની અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક હંસરાજ ચૌધરીને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તેમનો કોરોનાવાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર વહીવટી તંત્ર તેમજ ખાસ તો આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં દેવ-સંકલ્પ રેસિડેન્સીમાં રહેતા અને મીરાનગરમાં પોતાનું ક્લિનિક ચલાવતાં ડોક્ટર બી.કે.વર્મા તેમજ તેમના પત્ની અને પુત્રને પણ હાલ ગડખોલ પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે કે ઓરેન્જ હોસ્પિટલના તબીબને પણ આ અંગે જાણ થતાં તેમણે સ્વૈચ્છિક રીતે પોતાની હોસ્પિટલ બંધ કરી દીધી છે. સાથે જ જે બે ટ્રક ડ્રાઈવર સાથે હંસનાથ ચૌધરી એ ભોજન લીધું હતું એમને પણ જયાબેન મોદી હોસ્પિટલમાં જ શંકાસ્પદ દર્દીઓ તરીકે દાખલ કરવામાં આવ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે.