અંકલેશ્વર, તા.૧૯
અંકલેશ્વર પીરામણ રોડ પર આવેલ કેશવ પાર્ક સોસાયટીમાં ખાનગી માલિકીની જમીનમાં મોબાઈલ ટાવર ઊભો કરવા ની પ્રક્રિયા હાથ ધરાતા રહીશોએ ભારે આક્રોશ સાથે ટાવર ની કામગીરી અટકાવી ને વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક અસરથી આ કામ અટકાવવા માટે જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી હતી. અંકલેશ્વર ની કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા વિપુલભાઈ મોદીએ પોતાની જ ખાનગી માલિકીની જમીનમાં મોબાઈલ કંપનીને ટાવર ઉભો કરવા માટે મંજૂરી આપી હતી જેની સામે સોસાયટીના અન્ય રહીશોમાં ભારે આક્રોશ ફેલાય જવા પામ્યો છે, જમીન માલીક વિપુલ મોદી એ સોસાયટીના હોદ્દેદારો તેમજ સભ્યોની મંજૂરી લીધી નથી તેમજ ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ ની પણ મંજૂરી લીધી નથી. આ અંગે સોસાયટીના રહીશોએ ભરૂચ જિલ્લા સમાહર્તાને લેખિતમાં રજૂઆત કરીને આ ટાવર ઉભો ન થાય તેવી માંગ કરી છે નોંધનીય છે કે જ્યાં આ ટાવર ઊભો થઈ રહ્યો છે એ પ્લોટ નંબર ૧૬૫ થી સો ફૂટના અંતરે જ ખાનગી સ્કુલ આવી છે કે જેમાં રોજના સેંકડો વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મોબાઈલ ટાવરના રેડિયેશનથી અસર થાય તેવી સંભાવના ઉપરાંત કોઈપણ જાતની મંજૂરી વગર ટાવર ઉભો કરવાની પ્રવૃત્તિ બદલ રહીશો ઉશ્કેરાઇ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. સોસાયટીના રહીશોએ આ અંગે નગરસેવકોને જાણ કરતા નગર પાલિકા વિપક્ષ ના ઉપનેતા શરીફ કાનુગા અને જિલ્લા કોંગ્રેસ યુવા મહામંત્રી વસીમ ફડવાલા પણ આ પ્રવૃત્તિ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.અને મોબાઈલ ટાવર ની કામગીરી અટકાવી હતી. ઉગ્ર વિરોધ બાદ ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આ મુદ્દે ટાવર ઉભો કરવામાં આવતી કંપની ને નોટિસ પણ આપવામાં આવી છે. ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા સાત દિવસમાં પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ છે. સાથે જ પુરાવા રજૂ કર્યા સિવાય અથવા બોડા વિભાગની પરવાનગી વગર બાંધકામ ન ચાલુ કરવા નોટિસમાં તાકીદ કરવામાં આવી છે.