ભરૂચ જિલ્લામાં બીજા તબકકાના લોકડાઉનના અંતિમ ચરણમાં ખુશીના સમાચાર આવ્યાં છે. ત્રણ દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી તો બીજી તરફ ગુરૂવારના રોજ અંકલેશ્વરની કોવીડ- ૧૯ હોસ્પિટલમાંથી વધુ પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી પીડીત દર્દીઓની સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૨૭ કેસ નોંધાયા છે.જેમાંથી ભરૂચ શહેરના મુંડા ફળિયાની વૃદ્ધા અને તેના ભત્રીજાનું કોરોના વાયરસના કારણે મોત થઇ ચુકયું છે જયારે ૨૫ જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતાં. સઘન સારવાર બાદ અત્યાર સુધીમાં ૨૧ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.
ગુરૂવારના રોજ પાંચ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપી હતી. હવે કોવીડ હોસ્પિટલમાં માત્ર ચાર દર્દીઓ સારવાર હેઠળ છે. નવા કોઇ કેસ નહિ હોવાથી તથા દર્દીઓ ઝડપથી સાજા થઇ રહયાં હોવાના કારણે ભરૂચ જિલ્લો પણ હવે કચ્છની જેમ કોરોના મુકત બનવા તરફ આગળ વધી રહયો છે. ગુરૂવારના રોજ વાતરસા ગામના આવૈશ ઇલ્યાસ, સુહેલ ભગત, ઇખર ગામના ફયાઝ અહમદ અને રઇશ અહમદ તથા ભરૂચના ઉષાબેન પરમારને રજા આપવામાં આવી હતી. સાજા થઇ ઘરે પરત ફરેલા તમામ દર્દીઓએ કોવીડ હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.