(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૮
હાલમાં પ્રવર્તમાન કોવિડ – ૧૯ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને નિઃશુલ્ક સારવાર પૂરી પાડતી અંકલેશ્વર ખાતેની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને તેની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ દહેજ ખાતેની ઓ.એન.જી.સી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપલ) દ્વારા ૫ લાખનું અને મેઘમણી ઓર્ગનિક લિમિટેડ દ્વારા ૧૧ લાખનું દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ઓપલ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર અવિનાશ વર્મા, પ્રેસિડેન્ટ મનોજ શ્રીવાસ્તવ, સીએફઓ ભટ્ટાચાર્યજી, સીઓઓ બાસુ, મેઘમણી કંપની તરફથી પ્રશાંત પટેલ મેનેજર એડમિનિસ્ટ્રેશન, કુંતલ મોઢીયા મેનેજર હ્યુમન રિસોર્સ, ડૉ. હિમાંશુ શ્રીવાસ્તવ, ફેક્ટરી મેડિકલ ઓફિસર તેમજ હોસ્પિટલ તરફથી ટ્રસ્ટી કમલેશ ઉદાણી અને હિતેન આનંદપુરા હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓપલ અને મેઘમની કંપનીના કોવિડ પોઝિટિવ કર્મચારીઓની સારવાર શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે થઇ હતી અને તેઓ તરફથી હોસ્પિટલની સારવાર અને અન્ય સેવાઓનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશભાઈ ઉદાણી અને હિતેનભાઈ આનંદપુરાએ કંપનીના આ ઉમદા કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.