અંકલેશ્વર, તા.૧૦
વર્તમાન સમયમાં જ્યારે પાણીની તંગી અને અછત વારંવાર સર્જાઈ રહી છે ત્યારે જળસંચય અર્થાત વોટર હાર્વેસ્ટિંગ દરેક લોકો કરે એ જરૂરી છે. આ દિશામાં પહેલું કદમ અંકલેશ્વર ઉંમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. જેમાં વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાઇકલિંગનું પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન આજરોજ કરાયું હતું.
સમાજસેવી સંસ્થા મહાવીર ઇન્ટરનેશનલ તેમજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઈનરવ્હીલ ક્લબના સહયોગથી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયક્લિંગ પ્રોજેકટનું ઉદ્‌ઘાટન આજરોજ યોજાયું હતું. જેમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રાજેશ નાહટા, મહાવીર ઇન્ટરનેશનલના ચેરમેન કમલેશ દંડ, વોટર મિશન પ્રોજેક્ટના ચેરમેન હિતેન આનંદપરા, એમ.એસ.પી ચેરમેન ગજેન્દ્ર પટેલ, ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ મનીષા અરોરા, સેક્રેટરી સંધ્યા જોષી ઉપરાંત અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલા, ઝાહિદ ફડવાલા તથા અન્ય ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકો અને રોટરી ક્લબ, મહાવીર ઇન્ટરનેશનલ અને ઈનરવ્હીલ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂા. ૯૦,૦૦૦નો ખર્ચ સમાજસેવી સંસ્થાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જળસંચય અંગે પણ માહિતી આપવામાં આવી હતી તેમ જ પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય એની પણ સમજ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. સાથે જ હાલમાં જેનું સૌથી વધુ ચલણ છે એવા આર.ઓ. વોટરનું પણ રિસાયક્લિંગ કરીને એને પીવાલાયક બનાવી શકાય છે એ સમજ સાથે એ કીટનું પણ લોકાર્પણ કરાયું હતું. નોંધનીય છે કે, અંકલેશ્વર શહેરી વિસ્તારમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ પ્રથમ સ્કૂલ છે કે જેણે આ પ્રોજેક્ટ અપનાવ્યો છે અને વિકસાવ્યો છે. ત્યારે એમાંથી પ્રેરણા લઈ આગામી દિવસોમાં પણ અન્ય સ્કૂલો તેમજ ખાનગી રહીશો પણ આ પ્રોજેક્ટ અપનાવે તો સાચા અર્થમાં જળસંચયનું સપનું સાકાર બનશે અને પાણીની અછતનો સામનો નહીં કરવો પડે.