અંકલેશ્વર, તા.૨૪
રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક મેગેઝિન દ્વારા અંકલેશ્વરની ૩ સ્કૂલને ટોપ ટેન સ્કૂલમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પોદ્દાર હાઈસ્કૂલ, આર.એમ.પી.એસ. હાઈસ્કૂલ તેમજ અંકલેશ્વર પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. અંકલેશ્વર-ઉમરવાડા રોડ પર આવેલી હ્યુમન એઇડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલને રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક મેગેઝિન દ્વારા ત્રીજો ક્રમાંક આપવામાં આવતા શાળાના ટ્રસ્ટીગણ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ આનંદની લાગણી પ્રવર્તી રહી છે. સમગ્ર દેશમાં શિક્ષણ સંસ્થાઓની ઉપર ધ્યાન આપતી અને ગુણવત્તાસભર શિક્ષણ આપતી સંસ્થાઓ અંગે નિયમિત રીતે માહિતી પ્રગટ કરતાં રાષ્ટ્રીય કક્ષાના મેગેઝિન એજ્યુકેશન વર્લ્ડ ઑફ ઈન્ડીયન સ્કૂલ રેન્કિંગ દ્વારા અંકલેશ્વરની ટોપ ટેન શાળાઓમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલને ત્રીજો રેન્ક આપવામાં આવ્યો છે. આ મેગેઝીન દ્વારા એના વિશેષાંકમાં પણ આ માહિતી સચોટ રીતે આપવામાં આવી છે. આ અંગે અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે, આ શાળા અંકલેશ્વરના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પણ આધુનિક અંગ્રેજી માધ્યમના શિક્ષણથી વંચિત ન રહે એ માટે સતત કાર્યરત રહી છે. આગામી દિવસોમાં પણ અમારૂં લક્ષ્ય એ જ રહેશે કે કોઈપણ વિદ્યાર્થી સાંપ્રત સમયમાં અશિક્ષિત તો ન જ રહે પરંતુ તમામ પડકારોને પહોંચી વળવા માટે શિક્ષણના માધ્યમ દ્વારા સક્ષમ બને. અમે એ દિશામાં સતત પ્રયત્નશીલ છીએ.