(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૯
અંકલેશ્વરમાં વી પટેલ આંગડિયા પેઢીની બહાર કારમાંથી રૂપિયા ૨૦ લાખ ભરેલી બેગની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. મીઠાની ફેક્ટરીના માલિક અને તેમની કારનાં ચાલકની નજર ચૂકવીને અજાણ્યો ગઠિયો કારમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરીને ફરાર થઇ જતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.
અંકલેશ્વરનાં જૈન સમાજ અગ્રણી અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનોખીલાલ રતનલાલ જૈન પ્રતિન ચોકડી નજીક સરદાર પટેલ કોમ્પલેક્ષ પાસે આવેલ સિલ્વર પ્લાઝા ખાતે આવ્યા હતા. જ્યાં આવેલી વી. પટેલ આંગડિયા પેઢીમાં તેમની પાસે રહેલ ૨૦ લાખ રૂપિયા પૈકી ૫ લાખ રૂપિયા ફેક્ટરીના શ્રમિકોને ચૂકવવાના હોવાથી છૂટા કરાવવા આંગડિયા પાસે આવ્યા હતા. ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં પાછળની સીટ પર મૂકી તેઓ આગળ બેસીને કાર રિવર્સ લેવા જતાં પહેલેથી જ ત્યાં હાજર ગઠિયો પાછળથી આવી કારનો દરવાજો ખોલીને નાણાં ભરેલી બેગ લઈ ફરાર થઇ ગયો હતો. થોડી વાર બાદ અનોખીલાલે કારમાં પાછળ મૂકેલી રૂપિયા ભરેલી બેગ ચેક કરવા જતાં તે ગાયબ જણાઈ હતી.
જે ઘટના અંગે તેમણે શહેર પોલીસ મથકે જાણ કરતા પી. આઈ.ઓમકારસિંહ સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવી કોમ્પલેક્ષનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ઘટના અંગે ચોરનું પગેરૂં મેળવવા માટે શહેરના ડીવાયએસપી એમ.પી. ભોજાણીરના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા જુદીજુદી પાંચ ટીમો બનાવવામાં આવી છે અને સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષનાં સીસીટીવીનાં કેમેરાનાં ફૂટેજ મેળવીને તેની ઝીણવટ ભરી તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી.