અંકલેશ્વર, તા.૨૫

અંકલેશ્વરમાં આગાની દિવસોમાં આવનાર ઈદ-ઉલ અઝહા તથા હિન્દુ સમાજના શ્રવણ માસના તહેવારોને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા શહેરના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના અધ્યક્ષ સ્થાને એક શાંતિ સમિતિની મીટિંગ શહેર પોલીસ મથક ખાતે યોજાઈ હતી.
જેમાં શહેરના મુસ્લિમ અગ્રણીઓ જોડે તહેવાર મનાવવા અંગે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી શહેરના ડી.વાય.એસ.પી. ચિરાગ દેસાઇએ જણાવ્યું હતું કે તહેવારોમાં તમામ લોકો એકબીજાને મળતા હોય જે બાબતે નમાઝમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે માસ્ક ફરજિયાત પહેરે તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરે તે ખૂબજ જરૂરી છે અને કોરોના વાયરસથી બચે.
આ પ્રસંગે મૌલાના કારી ઝુબેર તથા સૈયદ અરશદ કાદરીએ અપીલ કરતાં જણાવ્યું હતું કે આ તહેવારમાં દરેક લોકો પોત પોતાના મહોલ્લાની મસ્જીદમાં ઈદની નમાઝ અદા કરે શહેરની ઈદગાહ ખાતે ઈદની નમાઝ થશે નહીં તથા સરકારના કાયદાનું પાલન સાથે કુરબાની કરે તથા કોરોના વાયરસની બીમારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખીને નમાઝ અદા કરે તથા માસ્કનો ઉપયોગ ફરજીયાત કરે તથા કોમી એકતા, ભાઇચારા તથા બંધુત્વના માહોલમાં પોત પોતાના તહેવાર દરેક સમાજ ઉજવે તેવી અપીલ કરાઇ હતી.
આ પ્રસંગે શાંતિ સમિતિના સભ્યો હાજી જહાંગીર ખાન પઠાણ, સૈયદ અરશદ કાદરી, હાજી સઉદભાઈ શેખ, મોહમ્મદઅલી શેખ, આમીર હોટલવાળા, મુનીર શેખ, રફીક ઝઘડિયાવાલા, સ્ટેશન મસ્જીદના ઈમામ કારી ઝુબેર, મૌલાના સીરાજ હમીદભાઈ તૂટલા, બાબુભાઇ ભોલ સહિતના હાજર રહ્યાં હતા.
આ પ્રસંગે શહેર પી.આઇ. ઓ.પી. સિસોડિયાએ આ તહેવાર લોકો શાંતિ સાથે ઉજવે તથા તમામ લોકો સ્વસ્થ રહે તથા સરકારના કાયદાનો અમલ કરે તેવી અપીલ સાથે શુભેચ્છા પાઠવી હતી.