(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૦
હઝરત ઈમામ હુસૈન તથા તેઓના ૭ર સાથીઓએ કરબલાના મેદાનમાં શહાદત વ્હોરી હતી તેઓની યાદમાં મોહર્રમનો તહેવાર ઉજવાય છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં મુસ્લિમ બહુમત વિસ્તાર એવા કસ્બાતીવાડ, કાગઝીવાડ, સેલારવાડ, ભાટવાડ, કસાઈવાડ, હઝરત હલીમશા દાતાર ભંડારી, સર્વોદયનગર અંસાર માર્કેટ, તાડ ફળિયા, વીકા ફળિયા, દાતારનગર વગેરે વિસ્તારોમાંથી તાજિયાઓનું જુલૂસ નિકળ્યું હતું. આ વિસ્તારોમાં શબનમ કોમ્પ્લેક્ષ, ગોયા બજાર તથા અન્ય વિસ્તારોમાં ઠંડાપીણા તથા સરબતોનું વિતરણ કરાયું હતું તેમજ શહેરની મસ્જિદોમાં (આશૂરાની નમાઝ) અદા કરાઈ હતી.
તાજિયાનું જુલૂસ શહેરના કસ્બાતીવાડથી નીકળી કાગઝીવાડ, ગોયા બજાર, મુલ્લાવાડ, ભંડાર હોટલ થઈ હઝરત હલીમશા દાતાર ભંડારીની દરગાહ શરીફ થઈને પીરામણ નાકા નગરપાલિકા પાસે તાજિયા ઠંડા કરાયા હતા.
જુલૂસમાં ઢોલ-નગારા અને અંગ કસરતના દાવો સાથે નાતશરીફ પઢવામાં આવી હતી. મોહર્રમના પર્વને લઈ શહેરના તમામ વિસ્તારોમાં શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આમ શાંતિપૂર્ણ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં મોહર્રમનો તહેવારની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શહેર તાજિયા કમિટીના સંચલિત પ્રમુખ સિકંદર ફડવાલા તથા પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી રઈશ સુફી તેમજ તેઓની ટીમે તમામ પ્રજાજનો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.