પરિવારનો આબાદ બચાવ, પાલિકાની બેદરકારીના કારણે નફીસાબેન બાળકો સાથે ઘર વિહોણા બન્યા

અંકલેશ્વર, તા.૧૯
અંકલેશ્વરના તાડફળીયામાં નગર પાલિકાની ગટરલાઇન પાસે આવેલ એક મહિલાના મકાનની દીવાલ અચાનક ધરાશય થતા મકાન નમી પડતા ઘરવખરીને નુકશાન થયું હતું. જો કે, આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના તાડફળીયામાં રહેતા નફીસાબેનનું મકાન નગર પાલિકાની ગટરલાઈન પાસે આવેલું છે, ગટરના પાણી અંગે નફીસાબેને અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરી હતી, જો કે નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન દોરવામાં ન આવતા ગત ૧૮મીની રાત્રે નફીસાબેનના મકાનની દીવાલ અચાનક ધરાશય થઇ હતી, દીવાલ ધરાશય થતાની સાથે નફીસાબેન બાળકો સાથે ઘરની બહાર નીકળી ગયા હતા અને દીવાલ ધરાશય થતા મકાન બેસી ગયું હતું અને મકાનની અન્ય દીવાલોમાં પણ મોટી તિરાડો પડતા ઘરવખરીને નુકશાન થવા પામ્યું હતું આ ઘટનાના પગલે આસપાસના રહીશો દોડી આવી કાટમાળ ખસેડી ઘરવખરીનો સામાન બહાર કાઢી લીધો હતો. સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી નગરપાલિકાની બેદરકારીના કારણે નફીસાબેન બાળકો સાથે ઘર વિહોણા બનતા ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે.