(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૧૯
ગુજરાત સરકાર દ્વારા લૉકડાઉન-૪ અંતર્ગત તમામ ધંધા-રોજગાર અને સવારે ૮થી સાંજે ચાર વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. જો કે, આ છૂટછાટ ખાસ કરીને પોલીસ અને વહીવટી તંત્ર બંને માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ શકે એમ છે.
અંકલેશ્વરમાં મંગળવારની સવારે કંઈક અલગ જ ઊગી હતી આમ તો લોકડાઉનમાંથી મુક્તિ બાદ તમામ ધંધા-રોજગાર શરૂ થઈ ગયા હતા. ફરસાણની દુકાનો ઉપરાંત પાન બીડીના ગલ્લા ઉપર પ્રતિબંધ હતા એ પણ હટાવી લેવાતા તમામ દુકાનો શરૂ થઈ ગઈ હતી. જો કે, ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી વ્યવસ્થા જોવા મળી ન હતી. દુકાનદારોએ પોતે જ લોકોને આ બાબતે જાગૃત કરવા પડ્યા હતા. આ જોતાં લાગે છે કે આ જવાબદારી પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની બની ગઈ છે કેમકે લૉકડાઉન મહદ્દ રીતે પૂર્ણ થતાં શહેરમાં ભલે તમામ ધંધા-રોજગાર શરૂઆત કરવાની પરવાનગી આપવામાં આવી હોય પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગની શરતો અબાધ્ય છે અને રહેવાની છે. આ અંગે નાગરિકો પણ જો કે તદ્દન બેપરવાહ જણાયા હતા.
ખાસ કરીને આ સમયગાળા દરમિયાન બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવીને પાન, માવા, તમાકુ, સિગારેટ ગુટખા ખરીદનારા લોકો સૌથી વધારે આજે પાન બીડીની દુકાનો પર જોવા મળ્યા હતા જ્યાં સદંતર સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું. આ પરિસ્થિતિ જોતા હવે આ જવાબદારી અંકલેશ્વર પોલીસ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકા સહિત વહિવટી તંત્રની છે પરસ્પર સંકલનના અભાવે જો આ નિયમોનું પાલન ના થયો તો અંકલેશ્વર તાલુકાના પણ કોરોના વાયરસ ભરખી જશે એ સંભાવના નકારી શકાય એમ નથી. આ અંગે હવે જવાબદારી કોણ લેશે ?