(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૩૧
અંકલેશ્વર શહેર વિસ્તારમાં મહારાષ્ટ્રથી બીમાર હાલતમાં આવેલ વૃદ્ધનું શંકાસ્પદ મોત નિપજતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે અને નજીકના સગા-સંબંધીઓની મેડિકલ તપાસની રહીશોએ માગણી કરી છે.
મહારાષ્ટ્રથી ૧૩-૧૪ દિવસ પૂર્વે એક ૬પ વર્ષીય વૃદ્ધ બીમાર હાલતમાં અંકલેશ્વરની એક સોસાયટીમાં આવ્યા હતા જેઓનું મોત નિપજતા પરિવારજનો અને સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા તેમજ અંકલેશ્વરના સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાં એક બીજાને ખો આપી છટકી ગયા હતા. મૃતકના પોસ્ટમોર્ટમની માગણી કરાઈ છતાં કોઈ ધ્યાન ન આપતા અંતે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ વગર વૃદ્ધના મૃતદેહની દફનવિધિ કરી દીધી હતી. ત્યારે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વૃદ્ધના સગા-સંબંધીઓની મેડિકલ તપાસ અંગે આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. મૃતકના સગાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે વૃદ્ધના સગા-સંબંધીઓની મેડિકલ તપાસ થાય તેવી રહીશોએ માગણી કરી છે.