અંકલેશ્વર, તા. ૨૬
અંકલેશ્વરની કોવિડ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુરૂવારના રોજ કોરોનાથી પીડિત વ્યક્તિનું મૃત્યુ નીપજતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી અને માનવતા પર પણ કોરોના ભારે પડયો હોવાની લાગણી ઉઠી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના કોરોના વાયરસના સંક્રમિત દર્દી ચંદ્રકાંત પટેલ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જોકે એમાં પણ ભારે વિવાદ સર્જાયો હતો. તંત્રએ પરિવારજનોને મૃતદેહ સોંપી દીધો હતો જ્યારે કે અંકલેશ્વરમાં અંતિમ સંસ્કાર માટે પૃચ્છા કરતા રામકુંડ સ્મશાન રહેણાક વિસ્તાર પાસે આવ્યું હોવાથી અગ્નિ સંસ્કારની ના પાડી દીધી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ નો સંપર્ક કરતા ત્યાં પણ અંતિમ ક્રિયા નો નન્નો ભણી દેવામાં આવ્યો હતો.
આ બંને સ્મશાન રહેણાંક વિસ્તારને અડીને આવેલ હોવાથી ભરૂચ દશાશ્વમેઘ અને અંકલેશ્વર શાંતિધામ સ્મશાને અંતિમક્રિયાનો ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના અંતિમ સંસ્કાર ક્યાં કરવા તે વાતને લઇ મૃતકના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. છેવટે તેમના વતન જબુંસરમાં અંતિમવિધિ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ તમામ પ્રક્રિયા દરમ્યાન આઠ કલાક સુધી મૃતદેહ રઝળ્યો હતો.
છેવટે પરિવારજનોને હોસ્પિટલ દ્વાર PPE કીટ આપી મૃતદેહ સોંપી દેવાયો હતો. જોકે એમાં પણ કોરોનાની કરુણતા ગણો કે માનવતા પર કોરોનાવાયરસ ભારે પડ્યો હોય જે ગણો એ પરંતુ મૃતદેહને લઈ જવા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા તંત્ર, NGO તથા હોસ્પિટલ દ્વારા કરાઈ ન હતી અને પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો.
સમગ્ર ઘટનામાં તંત્રની બેદરકારી સામે આવી હતી. કોરોના વાયરસના મૃતકનો નિકાલ શું તંત્ર નથી કરી શકતું તેવો સવાલ પણ પરિવારજનોના મોઢેથી વારંવાર પૂછાઈ રહ્યો હતો.

કોરોનાવાયરસનો દર્દી જો અંકલેશ્વરમાં મૃત્યુ પામે તો એને અંતિમસંસ્કાર પણ નસીબ નહીં

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે ઘટેલી આ ઘટના ખરેખર અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ છે. રાત્રે જિલ્લા સમાહર્તાના હસ્તક્ષેપ બાદ શબવાહિનીની વ્યવસ્થા તાત્કાલીક કરવામાં આવી અને મૃત્યુનો મલાજો અને ગરિમા જળવાય એ રીતે એને વતન પહોંચતા કરવામાં આવ્યા. પરંતુ અનેક પ્રશ્નો આ સાથે જ ઉભા થયા છે. જો અંકલેશ્વરનો કે ભરૂચનો જિલ્લાનો કોઈપણ કોરોનાવાયરસ સંક્રમિત વ્યક્તિ અંકલેશ્વરમાં સારવાર દરમિયાન મૃત્યુ પામે તો અંકલેશ્વર કે ભરૂચમાં એના અંતિમ સંસ્કાર માટેની કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર પાસે નથી જે ગંભીર બાબત છે. આ દિશામાં હવે તંત્ર શું પગલાં લેશે એ જોવું રહ્યું. મોટી તંત્ર પણ માનવતા પ્રત્યે જાગૃત બને અને આ અંગે તાત્કાલિક વ્યવસ્થા કરે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.