અંકલેશ્વર, તા.ર૧
આગામી દિવસોમાં મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર એવા રમઝાનુલ મુબારક પૂર્ણતાને આરે છે. ત્યારે હવે રમઝાન ઈદ મનાવવામાં આવશે જે અંગે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસના નાયબ પોલીસવડા ચિરાગ દેસાઈના અધ્યક્ષ સ્થાને એક મીટિંગ શહેરના મુસ્લિમ અગ્રણીઓ સાથે અત્રેના શહેર પોલીસ મથકમાં રાખવામાં આવી હતી.
જેમાં સૌથી પહેલા નવા વરાયેલા ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા તમામ મુસ્લિમ અગ્રણીઓ સાથે મુલાકાત તથા ઓળખ થઈ હતી.
કોરોનાની મહામારીમાં આ તહેવાર બિલકુલ સાદગીથી ઉજવવામાં આવે તથા કોઈપણ સ્થળે ચાર વ્યક્તિથી વધુ ભેગા ન થાય, કોઈપણ બે વ્યક્તિ ગળે મળે નહીં અને કોરોના વાયરસનો વ્યાપ વધે નહીં. તે રીતે આ તહેવાર ઉજવવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી અને શુક્રવાર તથા ઈદની નમાઝ પોતપોતાના ઘરે અદા કરવાની અપીલ કરાઈ હતી અને ધાર્મિક સ્થળોએ જવું નહીં તથા દરગાહ શરીફ કે કબ્રસ્તાનમાં ટોળે વળવું નહીં તે રીતે વર્તવા મુસ્લિમ સમાજના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપીલ કરાઈ હતી.
આ પ્રસંગે હઝરત હલીમશા દાતાર ભંડારી દરગાહ શરીફના પેશ ઈમામ મૌલાના ગુલરેઝ અશરફી દ્વારા મુસ્લિમ સમાજને કોરોના વાયરસની મહામારીમાં ઈદની નમાજ પોતપોતાના ઘરે જ અદા કરવા તથા પોલીસ તંત્રને સાથ સહકાર આપવા તમામ પ્રજાજનોને વિનંતી કરાઈ હતી.
આ પ્રસંગે ભરૂચ એસ.ટી.એસ.સી. સેલના ડીવાયએસપી એમ.પી. ભોજાણી શહેર પી.આઈ. ઓ.પી.સીસોદિયા તથા મ્યુ.સભ્ય હાજી જહાંગીર પઠાણ, રફીક ઝગડિયાવાલા હાજી સઈદ દરસોત, મહમદ અલી શેખ, ઈબ્રાહિમ માજરા, મૌલાના ઝુબેર સૈયદ અરસદ કાદરી, મૌલાના ગુલરેઝ અશરફી વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.