અંકલેશ્વર, તા.૧પ
અંકલેશ્વર નેશનલ હાઇવે નં.૪૮ને અડીને આવેલ હોટેલ ઓસ્કારમાં કલેક્ટર ઓફિસનાં સ્ટાફ તેમજ મીડિયાકર્મીની ઓળખ આપીને તોડ કરનાર ટોળકી ઝડપાયા બાદ તાલુકા પોલીસે ઘટનામાં વપરાયેલી બે કાર પણ કબજે કરી હતી.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર નેશનલ હાઈવે નં.૪૮ને અડીને આવેલ હોટેલ ઓસ્કાર પર કલેક્ટર ઓફિસના સ્ટાફમાં હોવાનું જણાવી લોકડાઉનમાં બંધ હોટેલમાં રહેલા સિગારેટ, તંબાકુ, માવા સહિતનો જથ્થો હોવાથી તેઓએ આ જથ્થો થેલામાં ભરી લીધો હતો અને હોટેલ સીલ કરવાની ધમકી આપી હતી. જેના પતાવટ પેટે આ ટોળકીએ હોટેલ માલિક પાસેથી રૂા.૧ લાખ રોકડા તથા સિગારેટ, તંબાકુ અને માવાનો રૂા.૭૦,૦૦૦નો જથ્થો લઈને કારમાં ફરાર થઈ ગયા હતા.
આ ઘટનામાં પોલીસ ફરિયાદ બાદ ભરૂચ એલસીબી પોલીસે ટીવી ટાઈમ્સ ન્યુઝ ચેનલના અંકલેશ્વરના બિઝનેસ હેડ સુનિલ જયસ્વાલ, જીતેન્દ્ર ચૌહાણ, વિજય પરમાર અને આકાશને ઝડપી લીધા હતા અને વધુ તપાસમાં પોલીસે બે કાર સહિત ગુટખાનો જથ્થો રિકવર કરી ફરાર મહિલાની ધરપકડ માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.