(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.૧૬
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૮ને અડીને આવેલ અંસાર માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી.
અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આગ બેકાબુ બની હતી. ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ઉડયા હતા. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.
સ્ક્રેપના ગોડાઉનમાં આગ અંગેની જાણ પાનોલી નોટીફાઈડ એરિયા ફાયર સ્ટેશન, અંકલેશ્વર નોટીફાઈડ એરિયા, ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર લશ્કરો લાયબંબા સાથે ઘટના સ્થળ પર દોડી ગયા હતા, અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા.
આ ઉપરાંત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે સ્ક્રેપનું ગોડાઉન હોવાના કારણે આગમાં કયા પ્રકારનો કચરો સળગ્યો છે તે જાણવું મુશ્કેલરૂપ બન્યું છે. પરંતુ કેમિકલ યુક્ત જોખમી કચરો આગમાં સ્વાહા થઇ ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.