(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.ર૬
અંકલેશ્વર ખાતે વૉર્ડ નં- ૪ ખાતે સ્થાનિક નગરસેવક તેમજ પત્રકાર સંગઠન દ્વારા શનિવારના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે ૪૫૦ થી પણ વધુ વૃક્ષો રોપીને એની માવજત નો પણ સંકલ્પ લેવાયો હતો.
અંકલેશ્વરના વોર્ડ નંબર ૪ ના નગરસેવક રફીક ઝગડિયાવાળા દ્વારા સ્થાનિક પત્રકારોને સાથે રાખી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધીના માર્ગ પર ડિવાઈડર અને રસ્તાની બંને તરફ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંદર્ભે શનિવારના રોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારથી વૃક્ષારોપણ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર પ્રચાર તેમજ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ સહિત સામાજિક અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર અને ઉદ્યોગપતિ હરીશ જોશીએ જણાવ્યું હતું કે આ ખરેખર પર્યાવરણને જાળવવાની શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે જેનો દરેકે અમલ કરવો જોઈએ. આ પ્રસંગે પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વર પ્રમુખ દેવાનંદ જાદવ, સભ્યો કૌશલ ગોસ્વામી, મુનીર શેખ, અયાઝ શેખ સહિતના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.