અંકલેશ્વર, તા.ર
ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત અસ્મિતાની ઓળખ એવા ગરબા મહોત્સવને સંપૂર્ણપણે વ્યાવસાયિક સ્વરૂપ આપનાર ગાર્ડન સિટીના ગરબા આયોજકો પર મંગળવારની રાત્રે જિલ્લા કલેક્ટરની ગાજ વરસી હતી.
ગાર્ડન સિટીના માલિક અને બિલ્ડર માનસી રિયાલિટીઝના પી.પી.સવાણી દ્વારા દર વર્ષે ગાર્ડન સિટી ખાતે જ મોટા પાયે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગરબા મહોત્સવ માટે મોંઘીદાટ પાસ વેચનાર ગાર્ડન સિટીના આયોજકો છૂટકમાં પાસનું પણ વેચાણ કરતા હોય છે. ગરબા ગ્રાઉન્ડ પર જ પાસ માટે કાઉન્ટર ઊભું કરી દેવાયું છે. આટલેથી જ ન અટકતા ગાર્ડન સિટીના આયોજકો દ્વારા લોકો પાસે પાર્કિંગ માટે પણ પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. ટુ વ્હીલર માટે રૂા.૩૦ અને ફોર વ્હીલર માટે રૂા.૧૦૦ જેટલી પાર્કિંગ ચાર્જ ગાર્ડન સિટી ગરબા મહોત્સવના આયોજકો વસૂલતા હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણાને લોકોની ફરિયાદ મળી હતી જેથી તેમણે તાત્કાલિક જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરીને તેમણે આ બાબતથી વાકેફ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ મુજબ જ્યારે મોલમાં પણ પાર્કિંગની વ્યવસ્થા વિનામૂલ્યે આપવી પડતી હોય ત્યારે ગરબા મહોત્સવમાં પાર્કિંગ ચાર્જ કેવી રીતે પકડી શકાય એવો પ્રશ્ન રાજેન્દ્રસિંહ રાણાએ ઉઠાવ્યો હતો. જેને ગંભીરતાથી ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી અંકલેશ્વરના નાયબ કલેક્ટર રમેશ ભગોરાને આ અંગે તપાસ કરી પગલાં લેવા જણાવ્યું હતું. રમેશ ભગોરાએ તાત્કાલિક અંકલેશ્વરના ડીવાયએસપીના જાણ કરીને રાત્રે બાર વાગ્યે ગાર્ડન સિટીના ગરબા મહોત્સવમાં જઈને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પ્રવૃત્તિ અટકાવી દીધી હતી.ભરૂચ જિલ્લા સમાહર્તાએ આ અંગે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા તરફથી ફક્ત ગરબાની પરમિશન આપવામાં આવે છે. ગરબા માટેના પાસના વેચાણની કે પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઈ જ મંજૂરી અમે આપતા નથી. આ અંગે કડક પગલાં લેવાશે.