અંકલેશ્વર, તા.૧૯
અંકલેશ્વર જીઆઇડીસીમાં કરમાતુર ચોકડી પાસે આવેલ એડ કેમ ઇન્ટરનેશનલનાં ગોડાઉનમાં રિકવરી સોલ્વન્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેમાં અચાનક આગ લાગી હતી, અને ધુમાડાનાં ગોટેગોટા હવા ઉડતા લોકો આસપાસનાં ઉદ્યોગો તેમજ લોકોમાં દહેશતનો માહોલ છવાય ગયો હતો. ઘટના અંગેની જાણ અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ફાયટરો ફાયર ટેન્ડરો સાથે દોડી ગયા હતા, અને આગને કાબુ લેવા માટેનાં પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે, સોલ્વન્ટનો જથ્થો હોવાના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદાજીત ૮ થી વધુ ફાયર ટેન્ડરોની મદદ લીધી હતી જો કે, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, લોકડાઉનના કારણે કંપની બંધ હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી આગની ઘટનાના પગલે જીઆઇડીસી પોલીસનો કાફલો અને વીજ કંપનીની ટીમ આવી પહોંચી હતી પોલીસ દ્વારા કંપની તરફ આવતા માર્ગને બંધ કરી દીધો હતો.