અંકલેશ્વર, તા.ર૩
અંકલેશ્વર તાલુકાના ગામોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મહા જનસંપર્ક અભિયાન હેઠળ તથા ખેડૂત બચાવો દેશ બચાવોના નારા સાથે ગામે ગામ મિટીંગોનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર તાલુકાનાં નવાગામ કરારવેલ તથા રવિદરા મુકામે કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરોની મિટિંગો યોજાઇ હતી. મિટીંગમાં દક્ષિણ ગુજરાત કોંગ્રેસ માયનોરીટીના ઝોનલ ચેરમેન ઇકબાલભાઈ ગોરીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસ માં આવી રહેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સારો દેખાવ કરે તે માટે કોંગ્રેસના કાર્યકરો નેતા એક જૂથ થઈને કામ કરે એવી અપીલ કરી હતી.
જિલ્લા કોંગ્રેસના અગ્રણી મગનભાઈ માસ્ટરે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ઉપર ત્રણ કાળા કાયદાઓ ઠોકી બેસાડ્યા છે જે બિલકુલ ખોટું છે જેનો અમે વિરોધ કરીએ અને ખેડૂતોને અમારૂં સમર્થન જાહેર કરીએ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની આવી રહેલી ચૂંટણીઓ અંગે ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને સારગપુર જિલ્લા પંચાયત માટે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી.
આ પ્રસંગે જનસંપર્ક કાર્યક્રમના પ્રભારી સુલેમાન પટેલ, ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શેર ખાન પઠાણ, જિલ્લા કોંગ્રેસ અગ્રણી કાળુભાઇ ચૌહાણ, બાલુભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેદ્ર ઉપાધ્યાય, રતિલાલ પટેલ સહિતના આગેવાનો તથા કાર્યકરો હાજર રહી સંવાદ કર્યો હતો.