અંકલેશ્વર, તા.૧૧
અંકલેશ્વર નગરપાલિકાના ભરૂચીનાકા વિસ્તાર નજીકથી પસાર થતાં વરસાદી કાંસ ઉપર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ અંગે બોક્ષ ડેઈનના નામે કોમર્શીયલ રીતે દુકાનોનું બાંધકામ કરી દેવાનો વિવાદ હજુ સુધી પૂર્ણ થવા પામ્યો નથી ત્યાં પાલિકા દ્વારા ૧૦ જેટલી દુકાનો બનાવી નવો વિવાદ ઊભો કર્યો છે. ગુજરાત સરકારના અધિનિયમ મુજબ કોઈપણ વરસાદી પાણીના નિકાલવાળી જગ્યાઓ ઉપર કોઈપણ જાતનું બાંધકામ કરી શકાય તેમ ન હોવા છતાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ નિયમોનો ઉલ્લંઘન કરી ભરૂચીનાકા વિસ્તારની વરસાદી પાણીના નિકાલની કાંસ ઉપર ૧૦ જેટલી દુકાનો બનાવવાનું બાંધકામ હાલમાં પણ ચાલી રહ્યું છે. આ દુકાનોના બાંધકામ અંગે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની કચેરીમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને તે અંગે બૌડા કચેરી દ્વારા વરસાદી કાંસ ઉપર થતું દુકાનોનું બાંધકામ સ્થગિત કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો. તે બાદ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બૌડા કચેરીમાં બાહેધરી પત્ર રજૂ કરેલ કે, જેમાં અંકલેશ્વર નગરપાલિકા પાસે ફાયર સેફ્ટી અને વોટર વર્કસનાં સાધનો અંગે હંગામી સ્ટોરેજ તરીકે બાંધકામનો ઉપયોગ કરવાનો હોય તેમ જણાવેલ છે. આમ અંકલેશ્વર નગરપાલિકા પાસે ફાયર તેમજ વોટર વર્કસ વિભાગના સાધનો અંગે પાલિકા પાસે જગ્યા હોવા છતાં આ અંગેની રજૂઆત કરવામાં આવી તે કેટલા અંશે સાચી અને વ્યાજબી માની શકાય. જો કે, રૂા.૯૦ લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલની કામગીરીની સાથે ૧૦ જેટલી દુકાનો બનાવી નગરપાલિકા આ દુકાનોનો ઉપયોગ કયા હેતુ માટે કરવાના છે તે હેતુ બહાર આવતો નથી. તો બીજી તરફ મહાવીર કન્ટ્રકશન નામની એજન્સીને આપવામાં આવેલ વર્ક ઓર્ડરથી વધારાના ૧૦ જેટલી દુકાનોના ખર્ચની ચૂકવણી એજન્સીને કંઈ રીતે કરવામાં આવશે. જો કે, બૌડા કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને વારંવાર લેખિતમાં પત્ર દ્ધારા જણાવે છે કે, બાંધકામનો ઉપયોગ માત્ર હંગામી સ્ટોરેજ તરીકે કરવા જણાવવામાં આવેલ અને તે અંગે તા.પ/૮/ર૦ર૦ના પત્રથી સ્થળે ચૂસ્ત પણે અમલવાળી કરવા પુનઃ જાણ કરવામાં આવેલ છે તેમ છતાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે જે બાંધકામ કરવા જણાવેલ હોવા છતાં કાયમી ધોરણે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાથી અંકલેશ્વર નગરપાલિકામાં હાલમાં નવા મુખ્ય અધિકારી આ કામગીરી બંધ કરાવશે કે પછી તપાસ કરાવશે ખરા ? સરકારી નાણાનો દુરઉપયોગ થયો હોય તેમ લાગી રહ્યું છે. જેથી જવાબદાર સિવિલ એન્જિનિયર તેમજ સ્થળની દેખરેખ રાખનારા તેમજ એસ્ટીમેટ મુજબ ખર્ચના ચૂકવણા કરતાં વિભાગ સામે પણ તપાસ થાય તે જરૂરી છે. આગામી અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પાલિકા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો તેમજ પાલિકાની જગ્યાઓમાં કરવામાં આવતાં પાક્કા બાંધકામો તેમજ ગેરકાયદેસર દબાણોના પ્રશ્નોથી ભાજપ સત્તા મેળવશે કે ગુમાવશે ?