(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૬
તાજેતરમાં અંકલેશ્વર-ભરૂચ ને.હા નં ૮ પર માંડવા-મુલદ ટોલટેક્ષ નાકાની ઓફિસમાં દિલધડક ધાડનો બનાવ બન્યો હતો. જેના પગલે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવ બન્યાને ગણતરીના કલાકોમાં જ ભરૂચ જિલ્લા પોલીસ વડાની માર્ગદર્શન હેઠળ આ બનાવનો ભેદ ઉકેલવામા પોલીસ તંત્રને સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ અભય ચુડાસમા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહના મર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર ડિવિઝન એલ.એ ઝાલાના નેતૃત્વમાં તપાસ કરનાર જે.જી અમીને અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ મેળવી તલસ્પર્શી તપાસ કરતા આ બનાવના આરોપીઓ સિયાલજ કિમ ચાર રસ્તા પાસે હોવાની મહત્ત્વની કળી મળી હતી. તેના આધારે આ તમામ આરોપીઓને ઝડપી પાડવા આ ચારે ટીમને મળેલ લોકેશનના આધારે અનિલ બુટ્ટાભાઈ ભરવાડ, સુરેશ પુણાભાઈ જોગરાણા, મુન્નાભાઈ કાનાભાઈ ચોસલા, ગોપાલ સાજનભાઈ જોગરાણાને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ બનાવમાં સામેલ અન્ય આરોપીઓની પણ ઓળખ થઈ ચૂકી છે. જે અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે પો.ઈ જીજ્ઞેશ અમીન, પો.સ.ઈ એમ.આર શકોરિયા, પો.સ.ઈ ધડુક તેમજ પોલીસ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.