અંકલેશ્વર, તા.૮
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૮ પર એક આશ્ચર્યજનક ઘટના બની હતી, જેમાં એક થ્રી વ્હીલર ટેમ્પો ડ્રાઈવર વગર દોડવા લાગતા ભારે કુતુહલ સર્જાયું હતંુ.
અંક્લેશ્વર નેશનલ હાઇવે નંબર ૮ તાપી હોટલ નજીક એક થ્રી વ્હીલર ટેમ્પો બેકાબુ બનીને દોડી રહ્યો હતો, અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ ટેમ્પો ચાલકને ઠપકો આપવા માટે જ્યારે ટેમ્પા પાસે ગયા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે ટેમ્પો ડ્રાઈવર વગર જ દોડી રહ્યો હતો.
જાણવા મળ્યા મુજબ ટેમ્પો ચાલક ફોન પર વાત કરતા કરતા ટેમ્પો છોડી મુકતા ઘટના બની હોવાનું કહેવાય છે. ટેમ્પો ચાલક વગર બેકાબુ બનીને પ્રથમ ડિવાઈડર સાથે અને ત્યાર બાદ એક ટ્રક તેમજ ટેન્કરને અથડાઈને કાબુમાં આવી ગયો હતો.
જોકે સર્જાયેલી ઘટના હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે જોખમ રૂપ સાબિત થઇ શકતી હતી, પરંતુ કોઈ જાનહાની ન સર્જાતા વાહન ચાલકોએ ઘડીભર મનોરંજન માણ્યું હતુ.