અંકલેશ્વર, તા.૩
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ૨૫ જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઈમારતોને ઉતારી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે. ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારી છે, નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ જર્જરિત એપાર્ટમેન્ટ અને ૨૨ જેટલા જર્જરિત મકાનના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલીતકે મકાન ઉતારી લેવા જણાવ્યું હતું અને મકાન માલિકને મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે. નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતું કે, ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે.