અંકલેશ્વર, તા.૧૫
અંકલેશ્વર પંથકમાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મ્સનાં કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી.
અંકલેશ્વરમાં ત્રણ દિવસથી કમોસમી વરસાદના પગલે શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા હેડ લાઈટ ચાલુ કરી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.
હાલમાં જ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરનાં ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે.