(સંવાદદાતા દ્વારા) ભરૂચ/અંકલેશ્વર, તા.રર
અંદાજે ૯ મહિના પહેલાં વાલિયા તાલુકાના ઘોડાગામે શેરડીના ખેતરમાં કોઇ અજાણ્યા શખ્શની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ ચકચારી કેસનો ભરૂચ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વરના ગણેશપાર્કમાં રહેતા આનંદ રાજનારાયણ ચતુર્વેદીને તેની પત્નીએ જ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી તેની લાશને શેરડીના ખેતરમાં ફેંકી હોવાનો ખુલાશો થયો છે.
આ કેસમાં ભરૂચ એસ.ઓ.જી.એ તપાસ હાથ ધરી હતી. જેમાં લાશને ઓઢાડેલી ચાદર અને મૃતકે પહેરેલા ટ્રાઉઝરના આધારે પોલીસે મૃતકની ઓળખ કરી હતી. જેમાં મૃતક મુળ યુ.પીના ફરુખાબાદ જિલ્લાના સમસ્તપુરનો અને છેલ્લા કેટલાક વર્ષોથી અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં ૫૦૦ કવાટર્સની પાસે, ગણેશપાર્ક સોસાયટીમાં રહેતો આનંદ રાજનારાયણ ચતુર્વેદિ હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે તેની પત્ની મધુબેનની સઘન પુછતાછ હાથ ધરી હતી.
પોલીસ પુછપરછમાં આખરે મધુએ જ તેના પ્રેમી હરિભાઇ વિહાભાઇ બામ્બા (ભરવાડ) રહે.ને.હા.નં-૮, મહાદેવ હોટલની પાછળ, ભરવાડવાસ, ધામરોદ તા.માંગરોલ જી.સુરત. મુળ રહે. ગઢળીયા તા.જી. બોટાદની સાથે મળી પતિની હત્યા કર્યાની કબુલાત કરી હતી. જેના અધારે પોલીસે મધુ તથા તેના પ્રેમી હરિભાઇ બામ્બાની ઘરપકડ કરી બંન્નેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.