(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૬
અંકલેશ્વર-પાનોલી હાઈવે પર ખરોડ પાસે ગુરૂવારે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં ૧૦થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી અમદાવાદ તરફ જતાં હાઈવે પર ખરોડ ગામ પાસે મુસાફરોને લઈને જતી એક ખાનગી લકઝરી બસ નં. જી.જે.૦૩ એ.ઝેડ-પ૦૮૮ ઊભી હતી. ત્યારે એની પાછળ જ આવતી અન્ય એક ખાનગી બસ નંબર- જી.જે. ૧૪ એક્સ-૩૧૭રનાં ચાલકે ગફલતભરી રીતે બેધ્યાનપૂર્વક હંકારીને અકસ્માત સર્જ્યો હતો.આ બસની પાછળ આવતી એક કાર નંબર-જી.જે.પ જે.ઈ. ૩૪૯૪ પણ પાછળની બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૧૦થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામને ૧૦૮ તેમજ અન્ય એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ તથા અન્ય દવાખાને ખસેડાયા હતા. બનાવની જાણ થતાં અંકલેશ્વર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી તેમજ ટ્રાફિક જામને વ્યવસ્થિત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી.
નોંધનીય છે કે બે દિવસ પૂર્વે જ આ વિસ્તારમાં બે વ્યક્તિઓએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતાં. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તેમજ સરકાર આ જીવલેણ અકસ્માત સંભવિત વિસ્તારમાં ફ્લાય ઓવર બનાવે અથવા તો અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો વિચારે એ જરૂરી છે.