અંકલેશ્વર, તા.૬
કેટલાક દિવસો અગાઉ ભરૂચ નજીક આવેલ ચાવજ પાસેની બંધ પડેલ વીડિયોકોન કંપનીમાંથી કોપર વાયરની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. કોપર વાયર વેચાણ કરવા આવેલ ૫ ચોરોને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડી ૧૫૦ કીલો કોપર વાયર અને એક કાર જપ્ત કરેલ છે. ચાવજ પાસે આવેલ બંધ પડેલ વીડિયોકોન કંપનીમાંથી કેટલાક દિવસો પહેલા કોપર વાયરની ચોરીનો બનાવ બન્યો હતો આ બાબતે સી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. મોટા જથ્થામાં ચોરાયેલ કોપર વાયર અંગે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં અંકલેશ્વર શહેર પોલીસને બાતમી મળી હતી કે વાલિયા તરફથી કારમાં કેટલાક ઈસમો કોપર વાયરનું વેચાણ કરવા આવનાર છે તેવી બાતમીનાં આધારે પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈની સૂચના અનુસાર પી.આઈ ઓ.પી સીસોદીયા અને પી.એસ.આઈ વી.આર ઠુમ્મર દ્વારા વોચ ગોઠવાતા બાતમીવાળી કાર જણાતા તેને રોકી તેમાનાં કોપર વાયર અંગે તપાસ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે વધુ પૂછપરછ કરતા કારમાનાં વ્યક્તિઓનાં નામ યોગેશ જેરામ વસાવા રહે.પણસોલી તા.વાલિયા, પ્રકાશ રવિયા વસાવા, મુન્ના ખુમાન વસાવા, અલ્પેશ મંગેશ વસાવા, અનિલ લક્ષમણ વસાવા તમામ રહે. બેડી બાડા તા. વાલિયા જી. ભરૂચ જણાયા હતા. પોલીસે ૧૫૦ કિલો કોપર વાયર કિં. રૂ. ૪૫,૦૦૦ અને કાર મળી કુલ રૂ.૩ લાખ ઉપરાંતની મત્તા જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.