અંકલેશ્વર,તા.ર૬
પુલવામા આતંકવાદી હુમલાનો કરારો જવાબ આપતા ભારતીય વાયુસેનાની એર સર્જિકલ સ્ટ્રાઈકથી અંકલેશ્વર-ભરૂચમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ-યુવાનોની છાતી ગજગજ ફૂલી ગઈ છે.
ભારતની તાકાત પાકિસ્તાને જોઈ : દક્ષા શાહ-પ્રમુખ ન.પા.
અંકલેશ્વર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતું કે વીર જવાનોના બલિદાનને એરફોર્સ દ્વારા આ સર્જિકલ સ્ટ્રાઈકથી સાચી શ્રધ્ધાંજલિ અર્પી છે. આ પગલાંથી પાકિસ્તાને ભારતની તાકાત અને મીજાજ જોઈ લીધો છે.
એરફોર્સને ખૂબ ખૂબ અભિનંદન-સલામ નાઝુ ફડવાલા-પ્રવકતા જિલ્લા કોંગ્રેસ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા નાઝુ ફડવાલાએ ઈન્ડિયન એરફોર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે આપણા જવાનોની તાકાતને પાકિસ્તાન હજુ ઓળખી શકયું નથી. પુલવામા શહીદોને આ સાચી શ્રધ્ધાંજલિ.
સૈન્યના આ પગલાં બદલ દેશ ગૌરવ અનુભવે છે-કમલેશ ઉદાણી એમ.ડી., જે.બી. ફાર્મા
અગ્રણી દવા કંપનીના મેનેજિંગ ડિરેકટર કમલેશ ઉદાણીએ જણાવ્યું હતું કે એરફોર્સના જવાનોની જાંબાઝ કામગીરીથી દેશ આજે ગૌરવની લાગણી અનુભવે છે. ૧૩૦ કરોડ દેશવાસીઓની લાગણીને વાચા મળી છે.
એર સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકીઓનો ખાત્મો કરી શહીદોને મોક્ષ આપ્યો.
– અનુરાગ પાંડે, યુવા અગ્રણી
ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાના ૧રમા દિવસે સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કરીને શહીદોના બારમા-તેરમા અને પીંડદાન કરીને મોક્ષ આપ્યો છે. મારા દેશના વીર જવાનોને શત શત સલામ.
ભારતની એકતા-અખંડિતતા જાળવવાની દિશામાં શોર્યસભર પગલું-અરૂણ ગાંધી વેપારી
અંકલેશ્વરના અગ્રણી વેપારી અરૂણ ગાંધીએ જણાવ્યું કે દેશની એકતા અને અખંડિતતા જાળવવાની દિશામાં સૈન્ય અને સરકારના આ શૌર્યસભર પગલાંથી દરેક ભારતીયનો જુસ્સો બુલંદ બન્યો છે એરફોર્સને અનેક અભિનંદન.

સર્જિકલ સ્ટ્રાઈકના પગલે ભરૂચ જિલ્લામાં હાઈએલર્ટ જાહેર

અંકલેશ્વર,તા.ર૬
ભારતીય એરફોર્સ દ્વારા પાકિસ્તાન પર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભરૂચ જિલ્લામાં પણ હાઈએલર્ટ જાહેર કરાયું છે. આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ અનિચ્છનીય અને તંગદિલી ભરી પરિસ્થિતિ ન સર્જાય એ માટે તમામ પોલીસ મથકોને એલર્ટ કરી દેવાયા છે. ઠેર-ઠેર વાહન ચેકીંગ માટે તાકીદ કરાઈ છે. સાથે જ કોસ્ટલ એરિયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે. મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, સાગર તટરક્ષક દળના તમામ જવાનો અને અધિકારીઓને પણ એલર્ટ પર રાખ્યા છે.