અંકલેશ્વરમાં પરપ્રાંતિય શ્રમિકો એકઠા થયા

અંકલેશ્વર ના મીરાનગર ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જવા ની માંગણી સાથે એકઠા થયા હતા તેમજ ટીકીટના પૈસા વધારે લઇ ટીકીટ ન આપી હોવાના આક્ષેપો પણ કર્યા હતા જો કે જી.આઇ.ડી.સી પોલીસ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પરપ્રાંતિય શ્રમિકોને પડતી હાલાકી બાબતે તંત્ર યોગ્ય નિર્ણય કરી શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરે અથવા તેઓને બે ટંક ભોજન સહિતની આર્થિક મદદ કરે તેવી લાગણી પ્રવર્તી છે.

અંકલેશ્વર, તા.૮
લોકડાઉનના પગલે અંકલેશ્વર રાજપીપલા રોડ ઉપર આવેલ મીરાનગર વિસ્તારમાં રહેતા પર પ્રાંતિય શ્રમિકો કફોડી હાલતમાં મુકાયા છે તેઓને બે ટંક ખાવા ફાંફા પડી રહ્યા છે ત્યારે મામલતદાર કચેરીમાં રાશનની કિટ પડી રહી હોવા છતાં પરપ્રાંતિયોને ન મળવાના કારણે શ્રમિકો તંત્રથી ભારે નારાજ હોવાનું જાણવા મળ્યું છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રોજગાર માટે આવી વસવાટ કરતા પરપ્રાંતિય શ્રમિકો લોકડાઉનમાં ભારે કફોડી હાલતમાં મુકાયા છે લોકડાઉન લંબાઈ જતા અંકલેશ્વરના મીરાંનગર વિસ્તારમાં રહેતા શ્રમિકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે તેઓને બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યા છે કેટલાક શ્રમિકોના ઘરમાં અનાજ પણ પૂરું થઇ જતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકારના આદેશ મુજબ મામલતદાર કચેરી ખાતે જીવન જરૂરિયાતની રાશન કિટ વિતરણ કરવાની સૂચના આપવામાં આપી હોવા છતાં પણ મામલતદાર કચેરીના ઇન્ચાર્જ મામલતદાર મકવાણા દ્વારા કીટ વિતરણ બાબતે સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. જો કે, મામલતદાર કચેરી ખાતે રાશનની કિટો હોવા છતાં આવા જરૂરિયાતમંદ શ્રમિકોને આપવા માં ન આવતા શ્રમિકો તંત્ર સામે નારાજગી દર્શાવી હતી ત્યારે આ શ્રમિકોએ તંત્રને ઉદેશીને જણાવ્યું હતું કે, કાતો અમોને બે ટંકનું ખાવાનું આપો અથવા અમોને વતનમાં મોકલી આપો.