અંકલેશ્વર,તા.૫
અંકલેશ્વર રાજપીપલા ચોકડીથી જીઆઇડીસીને જોડતા મુખ્ય માર્ગને સ્થાનિક રહીશોએ રસ્તો બનાવવાની માંગ સાથે જેસીબી ચલાવી બંધ કરી દેતા તંત્ર દોડતું થયું હતુ. જોકે ડેપ્યુટી સરપંચ નોટીફાઈડ એરિયાના અધિકારી સહીત પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી વહેલી તકે માર્ગ બનાવવાની બાંહેધરી આપતા માર્ગ ખુલ્લો મુકાયો હતો.
અંકલેશ્વર રાજપીપલા ચોકડી પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉદ્યોગ નગરી જીઆઇડીસીની જોડે છે. જે માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો. જેને લઇ રચના સોસાયટી સહીત આસપાસના રહીશોએ રોજિંદા ધૂળની ડમરીયો સહીત ઘરમાં ભરાતી ધૂળને લઇ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જેની અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી. જે અનુસંધાને સ્થાનિક રહીશોએ ગતરોજ રાત્રીના સમયે જેસીબી વડે ફાટક પાસેનો મુખ્ય માર્ગ ખોદી નાખી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.જેને લઇ વહેલી સવારે નોકરી અર્થે જતા કામદારો અને કેમિકલ અને ટ્રાન્સપોર્ટરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં સ્થાનિક રહીશોએ રસ્તો બન્યા બાદ માર્ગ શરુ કરવાની જીદ પકડી હતી. મુખ્ય માર્ગ બંધ થતા ગડખોલ ગામાં સરપંચ રોહન પટેલ , અને નોટીફાઈડ એરિયાના અધિકારીઓ ચુસ્ત પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થાનિક રહીશોને વહેલી ટકે મુખ્ય માર્ગ બનાવી આપવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. સાથે મુખ્ય માર્ગને શરુ કરવાની તજવીજ હાથ ધરી હતી.