અંકલેશ્વર, તા.૯
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે ભારતમાં દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ લોકડાઉન વચ્ચે મહાનગરોમાં ફસાયેલા હજારો શ્રમિકોની હાલત ફફોડી બની છે. પણ ગુજરાત તેમજ બહારથી આવતા પરપ્રાંતિય શ્રમિકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં લોકડાઉન થયુ ત્યારે થોડો સમય તો આ શ્રમિકોએ જેમ-તેમ કરીને ચલાવ્યે રાખ્યુ. પરંતુ ત્યારબાદ બેકારીના ભરડાએ ભુખમરો વેઠવાનો વારો આવતા આવા શ્રમિકોની હાલત કફોડી બની છે. અત્યારસુધીમાં કેટલાય શ્રમિકો કે જેઓને નાના બાળકો સાથે પગપાળા વતનની વાટ પકડવાની નોબત આવી છે ત્યારે તાજેતરમાં સુરતથી વતનમાં જવા પગપાળા નીકળેલા કેટલાક શ્રમિકો ધોરીમાર્ગ પર જતા દેખાયા ત્યારે તેમની હાલત સાચેજ દયનિય હતી. લોકડાઉનમાં બેકારી વચ્ચે ભુખમરાની હાલત થતા આવા શ્રમિકો મુસાફરીના જરૂરી નાણાંના અભાવે નાછુટકે બાળકો સાથે સામાન ઉંચકીને પગપાળા વતનમાં જવા મજબુર બન્યા છે. ત્યારે અંકલેશ્વરથી રાજપીપલાના ધોરીમાર્ગ પર અત્યારસુધી લાખોની સંખ્યામાં પગપાળા જતા શ્રમિકો જણાયા છે.જો કે, કેટલાકને ઘણા સેવાભાવી માણસો દ્વારા વાહનોમાં બેસાડીને વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાતી હોય છે. લોકડાઉન વચ્ચે ફસાયેલા શ્રમિકોને વતનમાં પહોંચાડવા ઓનલાઇન અરજીની સુવિધા કરવામાં આવી છે. પરંતુ જરૂરી સમજના અભાવે હજારો શ્રમિકો પગપાળા વતનની વાટ પકડી રહ્યા હોવાની વાતો જાણવા મળી છે. ત્યારે આવા શ્રમિકો જ્યાં જ્યાંથી પસાર થતા હોય છે ત્યાં રસ્તામાં પોલીસ સ્ટેશનો, તાલુકાના અધિકારીઓની કચેરીઓ તેમજ અન્ય કચેરીઓ મળી કેટલી સરકારી કચેરીઓ આવતી હશે? આ બધા સરકારી બાબુઓને આવા શ્રમિકો નહિ દેખાતા હોય? આવા તો ઘણા બધા સવાલો વચ્ચે શ્રમિકોની દયનિય મજબુરી જાણે દબાઇ જતી દેખાઇ રહી છે.