(એજન્સી) કોલકાતા, તા. ૪
વડાપ્રધાન મોદીની દેશમાં પાંચમી એપ્રિલે દીવા અથવા મોબાઇલની ફ્લેશ લાઇટ પ્રગટાવવાની અપીલ પર હવે રાજનીતિ શરૂ થઇ છે. જુદી-જુદા રાજકીય પાર્ટીઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ અંગે કહ્યું છે કે, તેઓ વડાપ્રધાન મોદીની બાબતોમાં પડવા માગતા નથી. તેમણે કહ્યું કે, ‘અત્યારે હું રાજનીતિ કરૂં કે કોરોના વાયરસને અટકાવું’. તેમણે કહ્યું કે, તમે કેમ એક રાજકીય જંગ છેડવા માગો છો? તેમણે પોતાનો મત આપતા કહ્યું કે, જેને પણ વડાપ્રધાનની વાત યોગ્ય લાગે તેઓ માની શકે. જો મારે ઊંધવું હશે તો હું ઊંધી જઇશ. આ બાબત સંપૂર્ણ રીતે અંગત છે. વાસ્તવમાં શુક્રવારે વડાપ્રધાન મોદીએ પાંચ એપ્રિલના રોજ રાતે નવ વાગે લોકોને ઘરની લાઇટો બંધ કરીને દરવાજા અથવા બાલ્કનીમાં નવ મિનિટ માટે દીવા પ્રગટાવવા અથવા મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરવા અપીલ કરી છે. જેના કારણે હવે રાજકીય પક્ષોમાંથી સમર્થન તથા વિરોધી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ પહેલા જ્યારે વડાપ્રધાને જનતા કર્ફયુ દરમિયાન સાંજે થાળી અને તાળીવગાડવાની અપીલ કરી હતી ત્યારે પણ વિવિધ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ આવી હતી.