અમદાવાદ,તા.૯
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના એમફીલ અને પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને કારણે છેલ્લા એક વર્ષથી અનેક વિવાદોમાં ઘેરાયેલુ છે ત્યારે આ વિવાદમાં પ્રો. જયદીપસિંહ ડોડિયાને તથા ચોક્કસ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવતા એનએસયુઆઈના રાજકોટ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં કુલપતિ ડો. નીતિન પેથાણીને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.
એનએસયુઆઈના રાજકોટ જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતની આગેવાનીમાં કુલપતિને આવેદન આપી જણાવ્યું હતું કે એમફીલની પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ સમિતિના ચાર પૈકી બે સભ્યોએ વિદ્યાર્થી અમીત ઉપાધ્યાયનું નામ ગાયબ થવાના મુદ્દે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. ઉપકુલપતિએ એમફીલ અંગ્રેજીનો ફરી વાઈવા લેવા માટેનો નિર્ણય મીડિયા સમક્ષ જાહેર કરી દીધો હતો. પરંતુ કુલપતિએ એમફીલની પ્રવેશયાદી માન્ય રાખી હતી.
મે-ર૦૧૯માં પીએચડી અંગ્રેજી માટે ડી.આર.સી. યોજાઈ હતી. યુનિવર્સિટીના રેકર્ડ ઉપર જે તે વખતે માત્ર સાત વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાની શકયતા દર્શાવવામાં આવી હતી. પરંતુ અંગ્રેજી ભવનના તત્કાલીન અધ્યક્ષ પ્રો. જયદીપસિંહ ડોડિયાએ પોતાના વ્યકિતગત સંબંધોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના હિતમાં અંગ્રેજી વિષયના તમામ માર્ગદર્શકોને પોતાની પાસે રહેલી ખાલી રહેલી તમામ જગ્યાઓ ઉપર વિદ્યાર્થીઓની નોંધણી કરવા વિનંતી કરી હતી. જેના કારણે માત્ર સાત જગ્યા સામે ૪ર વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો. આ ૪ર વિદ્યાર્થીઓમાં પીઈટી-ર૦૧૮માં કૃપા ગુણથી પાસ થયેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અંગ્રેજી ભવનના અધ્યાપકોના ખતરનાક આંતરીક જૂથવાદને કારણે છ મહિના સુધી જે પ્રવેશ યાદી અંગ્રેજી ભવનના નોટિસ બોર્ડ ઉપર અને યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર રહી તેની સામે નવેમ્બર-ર૦૧૯માં શંકા વ્યકત કરવામાં આવી હતી. જો બે વિદ્યાર્થીઓનો પ્રવેશ ખોટો હતો તો ભવનના અધ્યાપકોએ મે-ર૦૧૯માં શા માટે વિરોધ ન દર્શાવ્યો ? તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે. જે બે વિદ્યાર્થીઓના પ્રવેશ સામે વાંધો દર્શાવવામાં આવ્યો છે તે બંને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે અને કોઈપણ પ્રકારના કૃપા ગુણ વગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીઈટી-ર૦૧૮ પાસ કરેલ છે તેમ છતાં પણ તત્કાલિન અધ્યક્ષ પ્રો. જયદીપસિંહ ડોડિયાએ પોતાના સ્વ. ખર્ચે મીડિયાની હાજરીમાં ઓપન ડી.આર.સી. યોજી અને આ બે વિદ્યાર્થીનીઓનું મેરીટ ચકાસવા પડકાર ફેંકયો હતો. વિદ્યાર્થીઓના મેરીટ લીસ્ટ સામે વાંધો દર્શાવનારા જો સાચા હોય તો શા માટે તેઓ ફરી ઓપન ડીઆરસીની માગણીને સમર્થન આપતા નથી ? ૪ર વિદ્યાર્થીઓની પ્રવેશયાદીમાં પ્રો. જયદીપસિંહ ડોડિયા સામે ડીનની ચૂંટણી લડેલા ડો. પ્રવિણસિંહ ચૌહાણની પણ સહી છે ત્યારે આ બે વિદ્યાર્થીઓનો પ્રવેશ ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે ? પ્રવેશ પામેલા ૪ર વિદ્યાર્થીઓમાંથી એક પણ વિદ્યાર્થી પ્રો. જયદીપસિંહ ડોડિયાના સગા થતા નથી. તાજેતરમાં એનએસયુઆઈને જાત તપાસ કરવા એવું જાણવા મળેલ છે કે અંગ્રેજી ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. જયદીપસિંહ ડોડિયા અને ચોક્કસ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે.
જયદીપસિંહ ડોડિયા છેલ્લા ૩૦ વર્ષથી અધ્યાપક છે તેમણે કોઈપણ વિદ્યાર્થીની કારકિર્દીને નુકસાન કર્યું હોય તેવો યુનિવર્સિટી પાસે એક પણ વિદ્યાર્થીની વ્યકિતગત ફરિયાદ હોય તો તેને કડકમાં કડક સજા થાય તેની સામે કોઈપણ વાંધો હોઈ ન શકે. પરંતુ સમગ્ર પ્રકરણની વરવી વાસ્તવિકતા એ છે કે પ્રો. જયદીપસિંહ ડોડિયા અંગ્રેજી ભવનના સંશોધકોને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ મદદરૂપ થવા હમેશા મોંખરે રહ્યા છે. આર્થિક રીતે કેટલા નબળા વિદ્યાર્થીઓની સત્ર ફી પણ પ્રો. ડોડિયાએ તેના ખીસ્સામાંથી ચુકવી છે તેનાથી એનએસયુઆઈ સંપૂર્ણ પણે માહીતગાર છે. સામા પક્ષે પ્રો. ડોડિયાની સામે પડેલા અધ્યાપકો વિરૂદ્ધ અનેક પ્રકારની ગંભીર ફરિયાદો છે ત્યારે એનએસયુઆઈએ કુલપતિને પ્રચંડ રાજકીય દબાણ વચ્ચે પદની ગરીમા જાળવી રાખી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવો ન્યાયોચિત નિર્ણય કરવા વિનંતી કરી છે.