નડિયાદ, તા.૨૩
લોકસભાની ચૂંંટણી ર૦૧૯માં યોજાવાની છેે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત બનાવવાથી માંડી કાર્યકરોને તૈયાર કરવાની ક્વાયત શરૂ કરી દેવાઈ છે. નડિયાદ ખાતે યોજાયેલ જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કાર્યકરો તેમજ હોદ્દેદારોને સંબોધ્યા હતા.
મંચ પરથી સંબોધન કરતાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય અને કેન્દ્રની ભાજપની સરકારો પર શાબ્દિક વાર કર્યા હતા. પરેશ ધાનાણીએ ભાજપની સરકારને અંગ્રેજોની સરકાર સાથે સરખાવી હતી. જે રીતે અંગ્રેજોની સરકારને ભગાડવા માટે ખેડા જિલ્લો આંદોલનમાં અગ્રેસર રહ્યો હતો તે જ રીતે ભાજપની આ સરકારને પણ ભગાડવા માટે આંદોલનની શરૂઆત ખેડા જિલ્લાથી જ શરૂ થાય તેવી હાંકલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, અંગ્રેજોના સમયમાં અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે આઝાદીના લડવૈયાઓ કોઈ અંગ્રેજોના પીઠ્ઠુઓની પરમિશન લેવા જતા ન હતા. તે જ રીતે ખેડા જિલ્લામાં પણ આંદોલન કરવા માટે કોંગ્રેસના કોઈ કાર્યકરે ભાજપના અધિકારીઓ પાસે પરમિશન લેવાની જરૂર નથી. જિલ્લા કોંગ્રેસ દ્વારા જે કોઈ પ્રકારના આંદોલન કરવામાં આવશે તેની પાછળ પ્રદેશ કોંગ્રેસ સમિતિની મંજૂરી રહેશે. ભાજપની સરકારમાં વધતી મોંઘવારીની વાત કરતા તેઓએ ર૦૧૪નું ભાજપનું એ સૂત્ર યાદ કરાવ્યું હતું તે સમયે ભાજપના મિત્રો કહેતા હતા કે, ‘બહોત હુઈ મહંંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’ તો પછી મોદી સરકારના આવ્યા બાદ મોંઘવારીનું શું થયું ? તેનો જવાબ પણ પ્રજા વતી કોંગ્રેસના આગેવાનોએ આંદોલન થકી આ ભાજપની સરકાર પાસે માંગવાનો છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ પ્રસંગે કહ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના યુવાનોને મોટી સંંખ્યામાં કોંગ્રેસમાં જોડવા માટે હાંકલ કરી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં દરેક બુથ પર જનમિત્ર બનાવવામાંં આવશે. સંગઠનને મજબૂત બનાવવાની હાંકલ કરતા જણાવ્યું હતું કે, દેશનો સૌથી જૂનો પક્ષ હોવાના કારણે આપણા પક્ષમાં લોકશાહી પણ વધારે છે. પક્ષમાં જૂથવાદ હોવાની વાતો વારંવાર થતી હોય છે ત્યારે હવેના દિવસોમાં કોંગ્રેસે જૂથવાદને બદલે બુથવાદને અપનાવવો પડશે. તે માટેનો સમય આવી ગયો છે. જે હોદ્દેદારો માત્ર વ્યક્તિગત લાભ માટે હોદ્દા લઈ બેઠા છે તે લોકોએ હવે પક્ષ માટે પરફોર્મન્સ બતાવવું પડશે. કારણ કે, હવેના દિવસોમાં દરેક હોદ્દેદારોનું પ્રમોશન અને ડિમોશન તેમના પરફોર્મન્સને આધારે જ નક્કી થનારૂ છે. આગામી દિવસોથી દર મહિને પક્ષ દ્વારા હોદ્દેદારો પાસેથી કામનો હિસાબ માંગવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાની વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યની શાળાઓમાં ફી વધારાને લઈ અનેક વિવાદો ચાલી રહ્યા છે. સરકારે ફી નિયમન કાયદો અમલમાં લાવી ગુજરાતની પ્રજાને છેતરી વોટ મેળવી લીધા, જે બાદ સ્કૂલ માફિયાઓ અને સરકારના અધિકારીઓ વાલીઓને ગાંઠતા નથી. જેના વિરોધમાં આગામી તા.રપ એપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા મથક પર શિક્ષણાધિકારીની કચેરીનો ઘેરાવો અને તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. શહેરના ઈપ્કોવાલા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખેડા જિલ્લા સંગઠન પ્રમુખ માલસિંહ રાઠોડ, મહુધા ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર, કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ઠાસરા ધારાસભ્ય કાંતિભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા રાજેશ ઝાલા, જીતેન્દ્ર પટેલ, સંજય પટેલ, કેડીસીસી બેંકના ચેરમેન ધીરૂ ચાવડા સહિત જિલ્લાના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.