અંતિમ વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૩ રનથી હરાવી વ્હાઇટવૉશથી ટાળ્યો

વિદેશમાં સતત સાત હાર પછી ભારત જીત્યું, અંતિમ વન-ડેમાં પંડ્યા-જાડેજાની ધમાકેદાર બેટિંગના સહારે ભારતે ૩૦૦નો લક્ષ્યાંક આપતાં ઓસી.ટીમ ૨૮૯ રનમાં ઑલઆઉટ
ટી.નટરાજને ડેબ્યૂ મેચમાં બે વિકટ ઝડપી, શુક્રવારથી ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝ શરૂ થશે

કૈનબરા, તા.૨
ઓસ્ટ્રેલિયા ભારત સામે ૩ વન-ડે સીરિઝની અંતિમ મેચમાં કૈનબરા ખાતે ૩૦૩ રનનો પીછો કરતા ૪૯.૩ ઓવરમાં ૨૮૯ રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા માટે કપ્તાન આરોન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલે ફિફટી ફટકારતા અનુક્રમે ૭૫ અને ૫૯ રન કર્યા હતા. જ્યારે, ભારત માટે શાર્દુલ ઠાકુરે ૩ વિકેટ, જ્યારે જસપ્રીત બુમરાહ અને ટી.નટરાજને ૨ વિકેટ લીધી. આ મેચ જીતીને ભારતે ઓસ્ટ્રેલિયાને વ્હાઇટવોશ કરતા રોક્યું છે. કાંગારૂંએ ૩ વન-ડેની સીરિઝ ૨-૧થી જીતી. તારીખ ૪ ડિસેમ્બરથી એટલે કે શુક્રવારથી ત્રણ મેચોની ટી-૨૦ સિરિઝ શરૂ થશે. વન-ડેની હાર બાદ ભારત પર ટી-૨૦ સિરીઝ જીતવાનું દબાણ રહેશે. ત્યારબાદ ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રારંભ થશે. ભારત વિદેશમાં સતત ૭ મેચ હાર્યા પછી મેચ જીત્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતને ૩ વન-ડે અને ૨ ટેસ્ટમાં હરાવ્યું હતું. તે પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બંને વન-ડેમાં ટીમ ઇન્ડિયાને માત આપી હતી. સતત ૭ મેચમાં હારનો સામનો કર્યા પછી ભારતે વિદેશમાં મેચ જીતી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૦૨ રન કર્યા હતા. ૧૫૨ રનમાં ૫ વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ૧૫૦ રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાના કરિયરની છઠ્ઠી ફિફટી ફટકારતાં ૭૬ બોલમાં ૭ ફોર અને ૧ સિક્સની મદદથી ૯૨ રન કર્યા હતા, જ્યારે જાડેજાએ કરિયરની ૧૩મી ફિફટી ફટકારતાં ૫૦ બોલમાં ૫ ફોર અને ૩ સિક્સની મદદથી ૬૬ રન કર્યા. હાર્દિકને તેની ઇનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રેણીમાં ૭૨ની એવરેજથી ૨૧૬ રન કરનાર સ્ટીવ સ્મિથને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગ્લેન મેક્સવેલે પોતાના વન-ડે કરિયરની ૨૨મી ફિફટી ફટકારતા ૩૮ બોલમાં ૩ ફોર અને ૪ સિક્સની મદદથી ૫૯ રન કર્યા હતા તેમજ એસ્ટન અગર સાથે સાતમી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી. મેક્સવેલને બુમરાહે બોલ્ડ કર્યો હતો. એલેક્સ કેરી વિરાટ કોહલી/લોકેશ રાહુલ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે ૪૨ બોલમાં ૪ ફોરની મદદથી ૩૮ રન કર્યા હતા. આરોન ફિન્ચે શાનદાર બેટિંગ કરતા પોતાના વન-ડે કરિયરની ૨૯મી ફિફટી મારી હતી. તો જાડેજાની બોલિંગમાં લોન્ગ-ઓન પર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૮૨ બોલમાં ૭ ફોર અને ૩ સિક્સની મદદથી ૭૫ રન કર્યા હતા. મોઝેઝ હેનરિક્સ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડવિકેટ પર ધવનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૩૧ બોલમાં ૩ ફોરની મદદથી ૨૨ રન કર્યા હતા. તે પહેલાં સ્ટીવ સ્મિથ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૫ બોલમાં ૭ રન કર્યા હતા.