(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૫
સુરત મનપાના કમિશનર દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ બજેટને લઇને ઉઠેલા હોબાળાને શાંત પાડવા માટે શહેર ભાજપની સંકલન બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાએ ૨૦૧૮-૧૯ના સૂચિત બેજટમાં અંદાજે રૂા.૫૩૦ કરોડનો વેરા વધારો ઝીંકી દીધો છે. જેમાં મિલકત વેરામાં તોતિંગ વધારો ઉપરાંત અન્ય નવા વેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દસેક વર્ષ બાદ પહેલી વખત એક સાથે તોતિંગ વેરા વધારો ઝીંકતાં તેનો ચોતરફથી વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ તો ઠીક ખુદ ભાજપે પણ આ વેરા વધારોના વિરોધ કર્યો છે. ત્યારે વેરા વધારો બોજ લોકો પર ઓછો પડે તે માટે શહેર ભાજપ પણ ચિંતત બન્યું છે. અને બે એક દિવસથી સંકલન બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે.શહેર ભાજપ પ્રમુખ નિતિન ભજીયાવાલાને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે વેરો વધારવો પડે તેવી સ્થિતિ છે, જો કે અમે સામાન્ય શહેરીજનોને હેરાન નહીં થવા દઈએ. અમો આ દિશમાં વિચારી રહ્યાં છીએ. એક તબક્કે એવું લાગી રહ્યું છે કે જે મિલકતદાર વધુ સુવિધા વાપરતાં હોય તેમણે વધુ વેરો ભરવો અને જે ઓછી સુવિધા વાપરે તેમણે ઓછો કર વેઠવાનો વારો આવે. તે રીતે શહેરીજનોને રાહત આપવાની હાલ અમારી યોજના છે.
ભાજપના જ એક અન્ય અગ્રણીના જણાવ્યા મુજબ વર્ષો બાદ એકસાથે આટલો વેરા વધારો ઝીંકવામાં આવ્યો છે. જેને લીધે હોબાળો થયો છે. થોડા વર્ષો અગાઉથી જ થોડો થોડો વેરો વધાર્યો હોત તો આજે આટલો વિરોધ થયો ન હોત. જેથી હજુ પણ આ દિશામાં વિચારાય અને એક સાથે મોટ કરબોજ ઝીંકવાને બદલે ક્રમશઃ વેરા વધારો કરાય તો તે યોગ્ય લાગશે. અલબત્ત તેમણે પણ કબૂલ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વધી રહેલા ખર્ચા સુવિધા અને સ્થિતિને અનુરૂપ વેરા વધારાવા પડે તેમ તો છે જ.
એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે બજેટની ચર્ચા માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વેરા વધારા અંગેનો યોગ્ય નિર્ણય લઈ લેવાશે. એવું પણ જાણવા મળ્યું છે કે વેરા વધારાના વિરોધ મુદ્દે મોવડી મંડળને પણ જાણ કરવામાં આવી છે. કારણકે આવતા વર્ષે જ લોકસભાની સામાન્ય ચૂંટણી અને ત્યારબાદ થોડા સમયમાં જ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. આજે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સુરત આવી રહ્યાં છે.જેથી આ મુદ્દે તેમનું માર્ગદર્શન લેવાય તેવુ પણ લાગી રહ્યું છે.