અંકલેશ્વર, તા.ર૦
અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર સવારે એક ટ્રેક્ટર નં.જીજે-૨-સીજી-૨૭૧૯ને પાછળથી પૂરપાટ ઝડપે આવેલ હાઈવા ડમ્પર નં.જીજે-૨૧-ડબ્લ્યુ-૮૧૬૬ ચાલકે અડફેટે લેતાં ટ્રેકટર પર સવાર છન્નુભાઈ ચંદ્રશેખર પટેલને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક સહિત બે શખ્સોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની જાણ શહેર પોલીસને કરાતા પોલીસ દોડી આવી અકસ્માત બાદ ફરાર હાઈવા ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.