(એજન્સી)                              તા.૮

કોંગ્રેસે રવિવારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને ૭ વર્ષમાં કથિત રૂપે આત્મહત્યા કરનારા ૯.૫ લાખ લોકોના મૃત્યુ માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે ભાજપ સરકાર ’અચ્છે દિન’ ના વચન સાથે સત્તામાં આવી હતી પરંતુ તેને હાંસલ કરવા માટે આ સરકારે કંઈ પણ કર્યું નથી. પાર્ટીએ તાજેતરમાં “ભારતમાં આત્મહત્યા અને અકસ્માત મૃત્યુ” પરના નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના અહેવાલને ટાંક્યો હતો, જે કહે છે કે ૨૦૧૪-૨૦૨૦ વચ્ચે ૯,૫૮,૨૭૫ ભારતીયોએ આત્મહત્યા કરીને તેમના જીવનનો અંત લાવ્યો હતો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એક નિવેદનમાં કહ્યું કેઃ “આ અહેવાલ, આત્મહત્યા અંગેના તેના આંકડાઓ સાથે, એવી અભૂતપૂર્વ દુર્ઘટનાને રેખાંકિત કરે છે જે ભારતને બરબાદ કરી રહી છે. સરકારની અત્યંત ઉદાસીનતા અને અસંવેદનશીલતા હેઠળ નાગરિકો છેલ્લી આશા ગુમાવી રહ્યા છે અને પોતાનો જીવ લઈ રહ્યા છે. ‘અન્નદાતા’ (ખેડૂતો) હોય, શ્રમજીવીઓ હોય, રોજમદાર હોય, ગૃહિણીઓ હોય કે બેરોજગાર શિક્ષિત યુવાનો હોય, તેઓ સર્વત્ર અવિશ્વસનીય રીતે નિરાશામાં છે. મહત્વાકાંક્ષીઓ માટેની તકો આત્મઘાતી ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે.” કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ તેની “જનવિરોધી” નીતિઓને ઢાંકવાના પ્રયાસરૂપે, “લોકોમાં વિભાજન, નકારાત્મકતા, નિરાશાને કાયમી રાખવાનો આશરો લઈ રહી છે”. આ અહેવાલમાં કહેવાયું છે કે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૫ ટકાનો વધારો થયો છે, બેરોજગારોમાં ૫૮ ટકા અને ખેડૂતો, મજૂરો અને રોજીરોજ કરનારાઓમાં ૧૩૯.૩૭ ટકાનો વધારો થયો છે. એકંદરે તમામ શ્રેણીઓમાં આત્મહત્યાની સંખ્યામાં ૧૬.૨૪ ટકાનો વધારો થયો છે. સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે અને મોદી સરકારની “ક્રોની મૂડીવાદી મૈત્રીપૂર્ણ અને ખેડૂત વિરોધી” નીતિઓને કારણે છેલ્લા ૭ વર્ષોમાં, ૭૮,૩૦૩ ખેડૂતોએ આત્મહત્યા કરી છે જેમાંથી ૩૫,૧૨૨ ખેત મજૂર હતા. તેમણે દાવો કર્યો છે કે, “વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૦ સુધીમાં આત્મહત્યાની સંખ્યામાં ૧૯ ટકાનો વધારો થયો છે. સરકારે ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા છે, વધતા જતાં ઈનપુટ ખર્ચ, સ્જીઁનો ઇનકાર અને પાક વીમા યોજના અને અંતે મુખ્ય કારણ તરીકે ત્રણ “કાળા” કૃષિ કાયદા ને ટાંકીને કહ્યું કે “આનાથી વીમા કંપનીઓને વધુ ફાયદો થયો છે. વિદ્યાર્થીઓ અને બેરોજગારો આત્મહત્યા કરવા મજબૂર છે, ભારતનું ભવિષ્ય અંધકાર સિવાય બીજું કંઈ નથી. મોદી સરકારના ૨૦૧૪થી ૨૦૨૦ ના કાર્યકાળ દરમિયાન, ૬૯,૪૦૭ વિદ્યાર્થીઓએ તેમના જીવનનો અંત લાવવાની ફરજ પડી હતી.