અમદાવાદ, તા.૫
અમે દુકાન ખરીદી હોવાથી ૧૧૦૦ રૂપિયા અને અગરબત્તી ચઢાવી દો તમારા દાગીના આ ૧૦૦ની નોટમાં મુકો અને અડધો કલાક બાદ પહેરી લેજો જો આવું કોઈ કહે તો ચેતી જજો અને તાત્કાલિક પોલીસને જાણ કરજો, કારણકે આવી ટોળકી અમદાવાદમાં સક્રિય થઈ છે. આ ટોળકી આવી વાતો કરી ખાસ વૃદ્ધાઓને જ ભરમાવે છે અને બાદમાં દાગીના લઈને ફરાર થઈ જાય છે. શહેરના ખોખરા પોલીસસ્ટેશનમાં પણ એક વૃદ્ધાએ આવી ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાના કહેવા મુજબ બને શખશો હિન્દીભાષી હતા. જો કે, ગ્રાહકના સ્વાંગમાં આવીને અગાઉ બે ગઠિયાઓએ નરોડા, રાણીપ સહિતના વિસ્તારોમાં આ જ મોડ્સ ઓપરેન્ડીથી દાગીના સેરવી લીધા હતા. ખોખરામાં રહેતા ૮૦ વર્ષીય કુંવરબહેન કરવણીયા તેમના ઘર પાસે આવેલા મંદિરે પૂજા અર્ચના કરવા ગયા હતા. તેઓ દર્શન કરતા હતા ત્યારે બે અજાણ્યા લોકો આવ્યા હતા. જેમાના એક શખશે કુંવરબહેનને રૂપિયા આપ્યા અને ભગવાનને ચઢાવવા કહ્યું હતું. બાદમાં આ ગઠિયાઓએ માનતા છે તેમ કહી ૧૦૦ની નોટમાં દાગીના મુકવાનું કહ્યું હતું. કુંવરબહેને ૧૦૦ની નોટમાં ૩૦ હજારની મતાના દાગીના મુક્યા બાદ તે પડીકું તેમને આપ્યું અને એક સફેદ કોથળીમાં તે મંદિરના ઓટલે મૂક્યું હતું. બાદમાં ગઠિયાઓએ કહ્યું કે, અડધો કલાક બાદ દાગીના કાઢીને પહેરી લેજો. હજુ તો કઈ સમજે તે પહેલા જ આ બને ત્યાંથી નીકળી ગયા અને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતા કુંવર બહેને તપાસ કરી તો પડીકું ગાયબ હતું. બુમાબુમ કરી પણ બને ફરાર થઈ ગયા હતા. આખરે ખોખરા પોલીસને જાણ કરતા આ બને લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા આ જ બહાનું બતાવી એક સોની વેપારીના દાગીના પણ લૂંટી બે ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે નરોડા પોલીસ તપાસ કરી રહી છે. બાદમાં રાણીપમાં પણ આવા કિસ્સા બન્યા હતા.
Recent Comments