(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાનાર હોઈ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે અને તે માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જ બનાસકાંઠા પહોંચી ગયા હતા અને કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવા સાથે અંબાજીની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની વાયરલ થતી વાતોનો છેદ ઉડાડી તેને માત્ર અફવા ગણાવી હતી. તો આ સાથે અંબાજી પંથકના સર્વાંગી વિકાસ માટે અલાયદી ઓથોરિટીની રચના કરવાની જાહેરાત પણ કરી હતી.
૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અર્થે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુર આવી પહોંચતા તેમણે બાઈક રેલીને પ્રસ્થાન કરાવી યુવા સંમેલનને સંબોધ્યું હતું.
૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી બે દિવસ બનાસકાંઠામાં રોકાશે. વિદ્યા મંદિર ખાતે યુવા સમેલનનું આયોજન કરાયું હતું. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાનોને સંબોધયા હતા અને વિશિષ્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર યુવાનોને સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા.
જ્યારે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિભાજન એટલે કે અલગ જિલ્લો અને તાલુકાની વહેતી થયેલી અને વાતો તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયું હતું. આ મામલે કોઈજ અલગ જિલ્લો કે તાલુકો બનવાનો ના હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું.
અંબાજી બસ સ્ટેન્ડ સહિત વિવિધ સાત જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે એમની સુવિધા માટે રોડ રસ્તા સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવા અને વધુ વિકાસ માટે અંબાજીને અલગથી ઓથોરીટી બનાવવાની તેમણે જાહેરાત કરી હતી.
આ દરમિયાન રૂપાણીએ વધુમાં “અયોધ્યા મેં રામ, કિશાનો કો દામ, ભ્રષ્ટાચારીઓકો બદનામનું સૂત્ર પણ મંચ પરથી લલકાર્યું હતું. સૌથી મોટી આયુષ્યમાન યોજના લાવવા સાથે ૧૦ રૂપિયામાં ગરીબોને ભોજનની વ્યવસ્થા બનાવી છે.